ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: 139 તાલુકામાં વરસાદ, દિયોદર અને નાનાપોંઢામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાએ સતત ત્રીજા દિવસે પણ જોરદાર હાજરી નોંધાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ આજે સવારે 6:00થી 10:00 વાગ્યા દરમિયાન રાજ્યના કુલ 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો.
આ ચાર કલાકના સમયગાળા દરમિયાન બનાસકાંઠાના દિયોદરમાં રાજ્યમાં સૌથી વધુ 50 મીમી (લગભગ 2 ઇંચ) વરસાદ નોંધાયો. ત્યારબાદ લાખાણીમાં 47 મીમી, રહમાં 45 મીમી, ધાનેરામાં 44 મીમી અને ઓગડમાં 36 મીમી વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 43 મીમી તથા કપરાડામાં 34 મીમી વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરામાં સવારે 8થી 10 વાગ્યાની વચ્ચે જ 30 મીમી વરસાદ પડતા અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત નવસારીના ખેરગામમાં 26 મીમી, ડાંગના સુબિરમાં 25 મીમી અને પાટણના સાંતલપુરમાં 24 મીમી વરસાદ નોંધાયો.
રાજ્યના ખેડા, અમદાવાદ ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા અને નર્મદા સહિતના અનેક જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં 10થી 23 મીમી સુધી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.