સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર
વિદ્યાર્થી આંદોલન વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને પત્ર લખીને વિદ્યાર્થીઓની માંગણીઓ પર તાત્કાલિક અને સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ કરી છે. તેમણે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાને પત્ર મોકલી વિદ્યાર્થીઓના મુદ્દાઓ ઉકેલવાની માંગ કરી છે.
વાંગચુકે પત્રમાં શિક્ષણમંત્રીની જવાબદારીના મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માંગ કરી છે. સાથે જ પેપર લીક જેવી ઘટનાઓથી પ્રભાવિત અને આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર આપવાની પણ અપીલ કરી છે.
વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહી પાછી ખેંચવાની માંગ
સોનમ વાંગચુકે દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી ન કરવા અને નોંધાયેલા કેસ પાછા ખેંચવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ સામે કાનૂની અથવા વહીવટી પગલાં ભરવાને બદલે તેમની રજૂઆતો સાંભળવી જોઈએ.
વાંગચુકે જણાવ્યું કે સરકાર સાથે થયેલી ચર્ચા દરમિયાન તેમની માંગણીઓ પર વિચાર કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જો સરકાર આ અંગે સ્પષ્ટ અથવા લેખિત ખાતરી આપે અને સકારાત્મક પગલાં લેવાની શરૂઆત કરે, તો તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરશે.
હવે સમગ્ર મામલે કેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે તેના પર વિદ્યાર્થીઓ અને દેશભરના લોકોની નજર છે.