ગાંધીનગર મનપા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 11 ઓક્ટોબરે મતદાન અને 13મીએ પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે બુધવારે, 16 સપ્ટેમ્બરે સત્તાવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 44 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 સપ્ટેમ્બર રહેશે, જ્યારે 29 સપ્ટેમ્બરે ઉમેદવારી પરત ખેંચી શકાશે.
11 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. આ જ દિવસે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં ગાંધીનગરના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ પ્રચાર કામગીરી પણ તેજ બનશે.