દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ: તોફાની દરિયાને પગલે ગોમતી ઘાટ બંધ, ઓખા બંદરે સિગ્નલ નં. 3, NDRF સ્ટેન્ડબાય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. અરબી સમુદ્રમાં ઊંચા મોજાં અને પ્રચંડ કરંટને કારણે દ્વારકાના ગોમતી ઘાટ પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા ઘાટ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
દરિયાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓખા બંદર પર ચેતવણીરૂપે સિગ્નલ નં. 3 ફરકાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે NDRF અને ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. સાથે જ, અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.