આણંદના બાકરોલ વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુના બે કેસો નોંધાતા મનપાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં

આણંદ જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ સંભવિત રોગચાળાને રોકવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ યુદ્ધના ધોરણે આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે. બાકરોલ અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં મલેરિયા અને ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગે સર્વેલન્સ, ફોગિંગ અને જનજાગૃતિ સહિતની અટકાયતી કામગીરી વધુ તેજ કરી છે.
વરસાદ બાદ પાણીજન્ય અને વાહકજન્ય રોગો ફાટી ન નીકળે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે માઇક્રો પ્લાનિંગ સાથે કામગીરી હાથ ધરી છે. મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ઝાડા-ઉલટી અને ટાઈફોઈડ જેવા રોગોના નિયંત્રણ માટે વિવિધ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલે મલેરિયા પોઝિટિવ દર્દીના ઘરે જઈ વ્યક્તિગત મુલાકાત લીધી હતી. તેમણે દર્દી અને પરિવારજનો સાથે સારવાર અંગે ચર્ચા કરી જરૂરી આરોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ દર્દી અમદાવાદથી પોતાના પિયરમાં સારવાર માટે આવ્યો હતો.
બીજી તરફ બાકરોલની દિવ્યકમલ સોસાયટીમાં સુરતથી અભ્યાસ માટે આવેલા એક વિદ્યાર્થીમાં તાવના લક્ષણો જોવા મળતા તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં ડેન્ગ્યુ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. આ કેસ બાદ આરોગ્ય વિભાગે સોસાયટી અને આસપાસના વિસ્તારમાં તાવના કેસોનું સર્વેક્ષણ, થર્મલ ફોગિંગ અને આરોગ્ય જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. અર્બન હેલ્થ સેન્ટરની ટીમો ઘર-ઘર જઈ લોકોને મચ્છરજન્ય રોગોથી બચવા અને સ્વચ્છતા જાળવવા અંગે સમજાવી રહી છે.
વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની કુલ 99 ટીમો દ્વારા ઘર-ઘર સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. કુલર, ફ્રિજની ટ્રે, ટાયર, કુંડા સહિત પાણી ભરાઈ રહેતા તમામ સ્થળોની તપાસ કરી એન્ટિ-લાર્વલ કામગીરી કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ટેમિફોસ દ્રાવણનો છંટકાવ તેમજ થર્મલ ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
જનજાગૃતિના ભાગરૂપે દર અઠવાડિયે ‘ડ્રાય-ડે’ ઉજવવાની અપીલ કરીને લોકોને પાણીના પાત્રો ખાલી કરી સુકવવાની સલાહ આપવામાં આવી રહી છે. પીવાના પાણીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે જળસ્ત્રોતોનું સુપર ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ક્લોરીન ટેબ્લેટ્સ અને ઓઆરએસ પેકેટનું ડોર-ટુ-ડોર વિતરણ પણ કરવામાં આવ્યું છે. ફીલ્ડ સ્ટાફ દ્વારા તાવના દર્દીઓના બ્લડ સ્મીયર લઈ સ્થળ પર જ પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી રહી છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 31,940 લોકોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. આરોગ્ય ટીમોએ 18,662 પાણી ભરાયેલા પાત્રોની તપાસ કરી હતી, જેમાંથી મચ્છરના પોરા જોવા મળેલા 217 પાત્રોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે 510 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 427 ટેસ્ટ સંતોષકારક (પોઝિટિવ) નોંધાયા હતા. ઉપરાંત 1,043 ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ચાર મેડિકલ કેમ્પ યોજીને આશરે 100 દર્દીઓની તપાસ કરી જરૂરી સારવાર પણ પૂરી પાડી છે.