ભાવનગર-સોમનાથ હાઈવે પર રખડતા ઢોરનો આતંક, અકસ્માતોના વધતા બનાવોથી વાહનચાલકોમાં ચિંતા

મહુવા: ભાવનગર-સોમનાથ હાઈવે પર રખડતા ઢોરની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. હાઈવે પર રસ્તાની વચ્ચે પશુઓ બેસી રહેતા હોવાથી નાના-મોટા અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે.
ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ અને રાત્રિના સમયે ઓછી દૃશ્યતાના કારણે અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે. હાઈવે પરથી દરરોજ હજારો વાહનો પસાર થતા હોવા છતાં રખડતા ઢોરને દૂર કરવા માટે અસરકારક કાર્યવાહી થતી ન હોવાનું સ્થાનિકો અને વાહનચાલકોનું કહેવું છે.
વાહનચાલકોનું કહેવું છે કે તેઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવે છે, છતાં સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી વ્યવસ્થા કરવામાં આવતી નથી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
સ્થાનિકોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી હાઈવેને રખડતા ઢોરથી મુક્ત બનાવવાની માંગ કરી છે, જેથી અકસ્માતો અટકે અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.