ભાવનગરમાં ₹33.89 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, વેપારી જેલહવાલે

ભાવનગરમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે બોગસ બિલિંગ સામે મોટી કાર્યવાહી કરતાં સ્ક્રેપના વેપારીની ધરપકડ કરી છે. મેસર્સ અરવા એક્ઝિમના માલિક મુબીન મોહમ્મદશફીભાઈ લાખાણી પર વાસ્તવિક વ્યવહાર કર્યા વિના કાગળ પર ખોટા ખરીદ-વેચાણના વ્યવહારો દર્શાવી આશરે ₹33.89 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો આરોપ છે.
સેન્ટ્રલ જીએસટી વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે, પેઢીએ આશરે સવા વર્ષના સમયગાળા દરમિયાન ₹33,89,65,444ની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું. પેઢીની જીએસટી નોંધણી 25 એપ્રિલ 2025ના રોજ થઈ હતી.
આ મામલે સેન્ટ્રલ જીએસટી વિભાગે 6 ઓગસ્ટના રોજ મુબીન લાખાણીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને ભાવનગરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
હાલમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા પેઢીના ખાતા અને શરૂઆતથી અત્યાર સુધીના વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધારે આ પેઢી સાથે વ્યવહાર કરનારા અન્ય લોકો સામે પણ આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે.