નરોડામાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અનેક વાહનોને મારી ટક્કર; સ્થાનિકોએ પકડી પોલીસને સોંપ્યો

અમદાવાદના નરોડા વિસ્તારમાં સોમવારે રાત્રે દારૂના નશામાં ધૂત કારચાલકે ભારે હોબાળો મચાવ્યો હતો. 27 વર્ષીય કારચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. આ અકસ્માતમાં એક બાઈકચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ કારચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો.
મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે આશરે 9 વાગ્યે કારચાલક નરોડા GEB પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર પરનો કાબૂ ગુમાવી મોટરસાઇકલને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર રોકવાને બદલે તેણે વધુ ઝડપે કાર હંકારતાં હંસપુરા વિસ્તારમાં આવેલા વિઠ્ઠલ પ્લાઝાના પાર્કિંગમાં ઘૂસાડી દીધી હતી.
પાર્કિંગમાં ઊભેલા અનેક વાહનોને કારચાલકે ટક્કર મારતાં વાહનોને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કાર અને બાઈક સહિતના વાહનોને અંદાજે રૂ. 5 લાખનું નુકસાન થયું હોવાની માહિતી છે. સદનસીબે પાર્કિંગમાં તે સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
ઘટના બાદ સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા અને કારચાલકને પકડી લીધો હતો. લોકોના જણાવ્યા મુજબ, કારચાલક દારૂના નશામાં હતો. ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં G ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કારચાલકને કસ્ટડીમાં લઈ કાર જપ્ત કરી હતી. હાલ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.