ગોધરાના હંગામી બસ સ્ટેશનમાં ભીષણ આગ, કંટ્રોલ રૂમ સહિત 6 દુકાનો બળીને ખાખ

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલા ભુરાવાવ વિસ્તારના હંગામી બસ સ્ટેશનમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે બસ સ્ટેશનનો કંટ્રોલ રૂમ અને આસપાસની 6 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે બસ સ્ટેશનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
મળતી માહિતી મુજબ, સોમવારે રાત્રે હંગામી બસ સ્ટેશનમાં અચાનક આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કંટ્રોલ રૂમ સહિત નજીકની દુકાનોને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે આશરે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ફાયર સેફ્ટીની વ્યવસ્થામાં મોટી બેદરકારી સામે આવી
આગની ઘટના બાદ એસટી વિભાગની બેદરકારી પણ સામે આવી છે. બસ સ્ટેશનમાં આગ ઓલવવા માટે લગાવવામાં આવેલા ફાયર એક્સ્ટિંગ્યુશરની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હતી. એટલે કે, આગ જેવી ગંભીર પરિસ્થિતિમાં ઉપયોગી બને તેવા અગ્નિશામક સાધનો જ યોગ્ય સ્થિતિમાં નહોતાં. જાહેર સ્થળે હજારો મુસાફરોની અવરજવર હોવા છતાં ફાયર સેફ્ટીની આવી બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે.
આગનું કારણ જાણવા તપાસ શરૂ
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આગનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં દુકાનદારોને મોટું આર્થિક નુકસાન થયું છે. બીજી તરફ, મુસાફરો અને વેપારીઓમાં તંત્રની બેદરકારી સામે નારાજગી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકનારા જવાબદારો સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.