ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ દુર્ઘટના: 7 શ્રમિકોના મોત, 14 ઈજાગ્રસ્ત; રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટીમાં THDCના વિષ્ણુગાડ-પીપલકોટી જળવિદ્યુત પ્રોજેક્ટની ટનલમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ટનલમાં અચાનક કાદવ, કાટમાળ અને પાણી ધસી આવતાં અંદર કામ કરી રહેલા 22 શ્રમિકો ફસાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 20 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં 7ના મોત થયા છે અને 14 ઈજાગ્રસ્ત થયા છે. એક શ્રમિક હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.
ઘટના સાંજે આશરે 6:30થી 6:45 વાગ્યાની વચ્ચે બની હતી. ટનલના મુખ્ય પ્રવેશદ્વારથી આશરે 1.5થી 1.8 કિલોમીટર અંદર આવેલી એક કેવિટીમાંથી અચાનક મોટી માત્રામાં કાદવ, કાટમાળ અને પાણી ધસી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ SDRF અને NDRFની ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ હતી. કાટમાળ હટાવવા માટે મશીનો અને ટનલમાંથી પાણી બહાર કાઢવા માટે ત્રણ મોટા પંપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બહાર કાઢવામાં આવેલા 14 ઈજાગ્રસ્ત શ્રમિકોને ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમાંથી 3થી 4 શ્રમિકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં ઉત્તરાખંડ ઉપરાંત બિહાર અને ઝારખંડના શ્રમિકોનો સમાવેશ થાય છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, પંજાબ અને હિમાચલ પ્રદેશના શ્રમિકો હોવાનું જણાવાયું છે.
ટનલમાં કાદવ અને પાણીનું પ્રમાણ વધતાં બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સરકારની પ્રાથમિકતા લાપતા શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવાની હોવાનું તેમણે જણાવ્યું છે.
દરમિયાન, ચમોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે તમક નાલામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને BRO દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલો લોખંડનો પુલ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. પહાડી વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ કામગીરી પણ પડકારજનક બની રહી છે.