દિલ્હીમાં ફરી આંદોલનની જાહેરાત, 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ચ

નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP)એ દિલ્હીમાં ફરી વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. સંગઠન 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટથી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી શાંતિપૂર્ણ માર્ચ યોજશે. CJPનો આરોપ છે કે અગાઉ આંદોલન પૂર્ણ કરાવતી વખતે સરકાર દ્વારા આપવામાં આવેલા આશ્વાસનો પર હજુ સુધી પૂરતી કાર્યવાહી કરવામાં આવી નથી.
સંગઠનના જણાવ્યા અનુસાર, આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી FIR પરત ખેંચવા, NEET પરીક્ષા સંબંધિત ઘટનામાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવા અને પરીક્ષા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવા જેવા મુદ્દાઓ પર સરકાર તરફથી સ્પષ્ટ પ્રગતિ જોવા મળી નથી.
CJPએ જણાવ્યું છે કે 5 સપ્ટેમ્બરના માર્ચમાં NEET સહિતની પરીક્ષાઓ સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પણ ભાગ લેશે. સંગઠને દેશભરના વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવા સંગઠનોને આ શાંતિપૂર્ણ માર્ચમાં જોડાવા અપીલ કરી છે.
બીજી તરફ, દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું છે કે માર્ચ માટે હજુ સુધી સત્તાવાર પરવાનગી લેવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, નવી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ છે અને મંજૂરી વિના વિરોધ પ્રદર્શન કે માર્ચ યોજી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે CJPએ અગાઉ NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન કર્યું હતું. 25 જુલાઈએ સરકાર સાથેની વાતચીત બાદ સંગઠને આંદોલન સમાપ્ત કર્યું હતું. જોકે, હવે સરકાર તરફથી અપાયેલા આશ્વાસનોનું પાલન ન થયું હોવાનો આરોપ લગાવીને સંગઠને ફરી રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે.