રેલવેમાં નોકરી અપાવવાના નામે રૂ. 5.07 લાખની ઠગાઈ, મહિલા સહિત બે આરોપી ઝડપાયા

આણંદમાં રેલવેમાં નોકરી અપાવવાના નામે યુવાનો પાસેથી લાખો રૂપિયા પડાવી છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ યુવાનોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ સ્થળે પરીક્ષા લેવડાવતા અને ત્યારબાદ બનાવટી નિમણૂકપત્ર આપીને નાણાં પડાવતા હતા.
પોલીસ ફરિયાદ મુજબ, ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે રહેતા એક યુવાનને ચકલાસીની સુલોચનાબેન પટેલ અને અમદાવાદના તુષાર પુરોહિતને રેલવેના ભરતી અધિકારી તરીકે ઓળખાવવામાં આવ્યા હતા. આરોપીઓએ નોકરી માટે ફોર્મ ભરાવવાના નામે શરૂઆતમાં રૂ. 3,500 લીધા હતા. ત્યારબાદ જાન્યુઆરી 2026માં ચકલાસી ખાતે પરીક્ષા લેવડાવવામાં આવી હતી અને આગામી છ મહિનામાં અલગ-અલગ રીતે કુલ રૂ. 55 હજાર લેવામાં આવ્યા હતા.
બાદમાં યુવાનને અમદાવાદ લઈ જઈ બનાવટી નિમણૂકપત્ર આપવામાં આવ્યા હતા. આ દસ્તાવેજો બનાવટી હોવાનું સામે આવતા યુવાને પોતાના નાણાં પરત માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ નાણાં પરત ન કરતાં તેણે આણંદ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન પોલીસે તુષાર યોગેશભાઈ પુરોહિત અને ચકલાસી ગામની સુલોચનાબેન કમલેશભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી અલગ-અલગ કચેરીઓના બનાવટી નિમણૂકપત્રો, રેલવે વિભાગના ત્રણ બનાવટી આઈ-કાર્ડ અને વિવિધ સરકારી કચેરીઓના આઠ બનાવટી સિક્કા કબજે કર્યા છે.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો પાસેથી કુલ રૂ. 5.07 લાખની રકમ પડાવી હતી. તુષાર પુરોહિત સામે અગાઉ પણ નડિયાદ રેલવે પોલીસ અને વડોદરાના વિવિધ પોલીસ મથકોમાં છેતરપિંડી સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આણંદ સાયબર ક્રાઇમ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.