સુરતમાં BRTS ડ્રાઇવરની મનમાની, AC ચાલુ કરવાનું કહેતા મુસાફરોને રસ્તા પર ઉતાર્યા

સુરતમાં BRTS બસના ડ્રાઇવરની મનમાનીનો કિસ્સો સામે આવ્યો છે. રૂટ નંબર 17ની બસમાં ભારે ગરમી અને ભીડના કારણે મુસાફરોને ગૂંગળામણ અનુભવાતી હતી. મુસાફરોએ AC ચાલુ કરવા વિનંતી કરતાં ડ્રાઇવરે કથિત રીતે, “ગરમી લાગતી હોય તો બસમાંથી ઉતરી જાવ” કહીને ઉદ્ધત વર્તન કર્યું હતું.
આ દરમિયાન એક મહિલા મુસાફરે મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ શરૂ કરતાં ડ્રાઇવરે AC ચાલુ કર્યું હતું. જોકે, ત્યારબાદ વરાછા મીની બજાર નજીક ડ્રાઇવરે બસ ઊભી રાખી દીધી હતી અને તમામ મુસાફરોને રસ્તા પર ઉતારી દીધા હતા. મુસાફરોએ બસ આગળ ચલાવવા વિનંતી કરી હોવા છતાં ડ્રાઇવર બસ છોડીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
જાહેર પરિવહનની સેવા આપતા કર્મચારીના આવા વર્તનને લઈને સુરત મહાનગરપાલિકા અને BRTS તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મુસાફરો સાથે બેદરકારીભર્યું વર્તન કરનાર ડ્રાઇવર સામે તંત્ર કડક કાર્યવાહી કરશે કે નહીં તે અંગે હવે ચર્ચા શરૂ થઈ છે.