જામનગરમાં પર્યુષણ પર્વનો ભક્તિભાવભર્યો પ્રારંભ, જિનાલયોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જામનગરમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી ધાર્મિક માહોલમાં પ્રારંભ થયો છે. શહેરના વિવિધ જૈન જિનાલયોમાં વિશેષ શણગાર, રોશની અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આઠ દિવસ સુધી જિનાલયોમાં ભગવાનની વિશેષ આંગી, પૂજા-અર્ચના, ધાર્મિક પ્રવચનો, પ્રતિક્રમણ અને પૌષધ સહિતના કાર્યક્રમો યોજાશે.
પર્યુષણ પર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકાઓ ઉપવાસ, એકાસણાં અને વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરશે. આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાભાવનાના આ પર્વને લઈને જામનગરના જૈન સમાજમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળી રહ્યો છે.
પર્વ દરમિયાન મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી તેમજ અંતિમ તબક્કામાં સંવત્સરી પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. સંવત્સરીના દિવસે શ્રાવક-શ્રાવિકાઓ વર્ષ દરમિયાન થયેલી ભૂલો બદલ એકબીજા પાસે ક્ષમાયાચના કરી ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવશે.
જામનગરના વિવિધ દેરાસરો અને જિનાલયોમાં આગામી દિવસોમાં યોજાનારા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.