પર્યુષણ માટે AMTSની ધાર્મિક બસ સેવા 3 દિવસ મોકૂફ, 11મીથી શરૂ થશે

પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ દેરાસરોના દર્શન માટેની AMTSની વિશેષ ધાર્મિક બસ સેવાને રિક્ષા-ટેક્સીની હડતાળનું ગ્રહણ નડ્યું છે. કોર્પોરેશન દ્વારા અગાઉ પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ દેરાસરોના દર્શન માટે 8 સપ્ટેમ્બરથી વિશેષ ધાર્મિક બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, હડતાળને કારણે ઊભી થયેલી પરિસ્થિતિના પગલે હવે સેવા 11 સપ્ટેમ્બરથી શરૂ કરવાનું નક્કી કરાયું છે.
AMTS કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ અને પર્યુષણ પર્વ દરમિયાન ભાવિકોને ધાર્મિક સ્થળો અને વિવિધ દેરાસરોના દર્શન માટે વિશેષ બસ સેવા આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળના કારણે ઊભા થયેલા આકસ્મિક સંજોગોને ધ્યાનમાં રાખીને હાલ સેવા મોકૂફ રખાઈ છે. 11 સપ્ટેમ્બરથી શરૂ થનારી વિશેષ બસ સેવા હેઠળ ભાવિકોને નિર્ધારિત રૂટ મુજબ શહેર તથા આસપાસના વિવિધ દેરાસરોમાં દર્શન કરાવાશે. બસ સવારે 8.15 વાગ્યે નીકળશે અને દેરાસરોના દર્શન કરાવ્યા બાદ સાંજે 4.45 વાગ્યે પરત ફરશે.
ધાર્મિક બસ પ્રવાસ માટે લાલદરવાજા, સારંગપુર, વાડજ અને મણીનગર ટર્મિનસ પરથી બુકિંગ કરાવી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. કોર્પોરેશનની હદમાં રહેતા નાગરિકો માટે પ્રતિ બસ રૂ. 3 હજાર અને ઔડાની હદમાં રહેતા નાગરિકો માટે રૂ. 5 હજાર ચુકવવાના રહેશે. એક બસમાં સામાન્ય રીતે 30 લોકોની બેઠક ક્ષમતા છે, પરંતુ વધુમાં વધુ 40 લોકોને બેસાડવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. વિશેષ ધાર્મિક બસ પ્રવાસમાં હઠીસીંગની વાડી-માધુપુરા, રાજપુર-ગોમતીપુર, પદ્માવતી માતાજી-નરોડા, કોબા, તપોવન-મોટેરા, મેરૂધામ તીર્થ, ઓગણજ, શેરીસા, ગોકુલ ધામ, ગોધાવી, બાકરોલ, સરખેજ, હાથીજણ, પ્રેરણાતીર્થ, આદેશ્વર જૈન દેરાસર-શાહપુર, જગ વલ્લભ પાર્શ્વનાથ-રિલીફ રોડ, હરીપુરા, દેવકીનંદન જૈન સંઘ-નારણપુરા અને આંબલી જૈન સંઘ સહિતના દેરાસરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.