રખિયાલમાં નકલી ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ, બે શખસ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ફાયર વિભાગની નકલી NOC બનાવવાના અને તેનો ઉપયોગ કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આસિફ ફ્રાય સેન્ટરના માલિક પાસેથી શંકાસ્પદ ફાયર NOC મળી આવ્યા બાદ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં આ NOC ફાયર વિભાગ દ્વારા ઇશ્યૂ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફાયર વિભાગના અધિકારીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં બે શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
સરકારી રેકોર્ડ અને પોર્ટલ પર NOCની કોઈ વિગતો મળી નહીં
મળતી માહિતી મુજબ, રખિયાલ વિસ્તારમાં આવેલા અર્ચના એસ્ટેટમાં આસિફ ફ્રાય સેન્ટર માટે ફાયર NOC રજૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગના પૂર્વ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર અમરસિંહ બારિયાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ફાયર વિભાગમાં NOCની ફાઇલ પેન્ડિંગ હોવાનું ધ્યાનમાં આવતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આસિફ ફ્રાય સેન્ટરના માલિક અકરમખાન પઠાણે ફાયર NOCનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. ગોમતીપુર ફાયર સ્ટેશનના અધિકારી માતાપ્રસાદ દેવરીસ પાંડેએ વોટ્સએપ મારફતે મળેલી NOCની નકલ તપાસતા તે શંકાસ્પદ હોવાનું જણાયું હતું.
ત્યારબાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીના ID સહિત ફાયર વિભાગના રેકોર્ડમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, આ પ્રકારની કોઈ NOC ફાયર વિભાગ દ્વારા ઇશ્યૂ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. ફાયર વિભાગના પોર્ટલ પર પણ તેની કોઈ નોંધ મળી નહોતી.
ફજલને NOC બનાવવાનું કામ સોંપ્યું હોવાનો ખુલાસો
વધુ તપાસ દરમિયાન 6 સપ્ટેમ્બરના રોજ આસિફ ફ્રાય સેન્ટરના માલિક અકરમખાન પઠાણ પાસેથી NOC અંગે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે તેણે ફાયર NOCનું કામ ગોમતીપુરમાં રહેતા ફજલ નામના વ્યક્તિને સોંપ્યું હોવાનું જણાવ્યું હતું.
ફજલે વોટ્સએપ મારફતે મોકલેલી NOCની નકલમાંથી ઝેરોક્સ કરાવી અકરમખાને પોતાની સહી સાથે ફાયર વિભાગ સમક્ષ રજૂ કરી હતી. તપાસમાં આ NOC પર 12 ફેબ્રુઆરી, 2026ની તારીખ દર્શાવવામાં આવી હતી, પરંતુ ફાયર વિભાગના સરકારી રેકોર્ડ અને પોર્ટલ પર તેની કોઈ નોંધ મળી નહોતી.
આ મામલે ફાયર વિભાગે ફજલ સામે ખોટું પ્રમાણપત્ર બનાવવાનો તથા અકરમખાન પઠાણ સામે નકલી દસ્તાવેજ હોવાની જાણ હોવા છતાં તેનો ઉપયોગ કરીને સરકારી અધિકારી સમક્ષ રજૂ કરવાનો આક્ષેપ કર્યો છે. રખિયાલ પોલીસમાં બંને સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસની માગ કરવામાં આવી છે.