સાયબર ફ્રોડના શંકાસ્પદ ‘મની મ્યૂલ’ ખાતાં પર 20 દિવસનો ડેબિટ હોલ્ડ, RBIનો ડ્રાફ્ટ પ્રસ્તાવ

નવી દિલ્હી: સાયબર ફ્રોડના વધતા કેસોને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ શંકાસ્પદ ‘મની મ્યૂલ’ બેન્ક ખાતાઓ સામે કાર્યવાહી માટે ડ્રાફ્ટ માર્ગદર્શિકા જાહેર કરી છે. પ્રસ્તાવિત નિયમો હેઠળ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા ખાતાઓમાં નાણાં ઉપાડવા પર અસ્થાયી ડેબિટ હોલ્ડ મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના 4 ઓગસ્ટના આદેશ બાદ તૈયાર કરવામાં આવેલી આ ડ્રાફ્ટ માર્ગદર્શિકા મુજબ, બેન્કોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ (ML) જેવી ટેક્નોલોજીની મદદથી શંકાસ્પદ વ્યવહારોની ઓળખ કરવી પડશે. રૂ. 1,000 કે તેથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન, ગ્રાહકની સામાન્ય પ્રોફાઇલથી વિપરીત વ્યવહાર તથા અગાઉ છેતરપિંડી અથવા મની મ્યૂલ તરીકે રિપોર્ટ થયેલા ખાતાઓ સાથે જોડાયેલા વ્યવહારોની પણ તપાસ થઈ શકે છે.
ગ્રાહકને ખુલાસા માટે 20 દિવસનો સમય
શંકાસ્પદ ખાતા પર અસ્થાયી ડેબિટ હોલ્ડ મૂક્યા બાદ ગ્રાહકને ખાતામાં થયેલા વ્યવહારો અંગે સ્પષ્ટતા અથવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે 20 દિવસનો સમય આપવામાં આવશે. ગ્રાહકનો ખુલાસો મળ્યા બાદ બેન્કે 10 દિવસની અંદર તેના આધારે નિર્ણય લેવાનો રહેશે.
જો ગ્રાહક તરફથી કોઈ ખુલાસો ન મળે, તો અસ્થાયી હોલ્ડ મૂક્યાની તારીખથી 30 દિવસની અંદર બેન્કે નિર્ણય લેવો પડશે. ગ્રાહકની સ્પષ્ટતા સંતોષકારક જણાય તો બેન્કે હોલ્ડ દૂર કરીને ખાતાના વ્યવહારો ફરી શરૂ કરવાની કાર્યવાહી કરવી પડશે.
પોલીસને જાણ કરવાની જોગવાઈ
જો બેન્ક ગ્રાહકના ખુલાસાથી સંતુષ્ટ ન થાય તો હોલ્ડ ચાલુ રાખી શકાય છે અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલની સંબંધિત સિસ્ટમ મારફતે પોલીસ અધિકારીને જાણ કરવાની રહેશે.
કાયદા અમલીકરણ એજન્સી અથવા સક્ષમ સત્તા તરફથી હોલ્ડ ચાલુ રાખવા અંગે કોઈ સૂચના ન મળે તો નિર્ધારિત સમયમર્યાદા બાદ હોલ્ડ દૂર કરવાની જોગવાઈ પણ ડ્રાફ્ટમાં કરવામાં આવી છે. અસ્થાયી ડેબિટ હોલ્ડનો મહત્તમ સમયગાળો પ્રારંભિક હોલ્ડની તારીખથી 60 દિવસ સુધીનો રાખવાનો પ્રસ્તાવ છે.
એકાઉન્ટ-લેવલ હોલ્ડ અંતિમ વિકલ્પ તરીકે
RBIના પ્રસ્તાવ મુજબ સમગ્ર એકાઉન્ટ પર હોલ્ડ મૂકવાની કાર્યવાહી અંતિમ વિકલ્પ તરીકે અને માત્ર અસાધારણ સંજોગોમાં જ કરવામાં આવવી જોઈએ. બેન્કોએ મની મ્યૂલ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા વ્યવહારોની ઓળખ માટે ટેક્નોલોજી આધારિત આંતરિક વ્યવસ્થા વિકસાવવી પડશે.
આ ઉપરાંત, શંકાસ્પદ વ્યવહારો અંગે Financial Intelligence Unit-India (FIU-IND)ને જરૂરી રિપોર્ટિંગ કરવાની પણ જોગવાઈ છે. મની મ્યૂલ એકાઉન્ટ અંગેની જરૂરી કાર્યવાહી અથવા રિપોર્ટિંગમાં બેદરકારીને KYC સંબંધિત નિયમોના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવી શકે છે.
10 વર્ષ સુધી રેકોર્ડ જાળવવો પડશે
બેન્કોએ અસ્થાયી ડેબિટ હોલ્ડ સાથે જોડાયેલા કેસોનો સેન્ટ્રલાઈઝ્ડ રેકોર્ડ જાળવવાનો રહેશે. તેમાં ગ્રાહક અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે થયેલા પત્રવ્યવહારનો પણ સમાવેશ થશે. ખાતું બંધ થયા બાદ આવા રેકોર્ડ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત, શંકાસ્પદ ખાતા સાથે ગ્રાહકના અન્ય સક્રિય ખાતાઓ અને બેન્કિંગ સંબંધોનું પણ મોનિટરિંગ કરવાની રહેશે. ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે બેન્કોએ નોડલ અધિકારીની નિમણૂક કરવાની અને ફરિયાદોનો નિર્ધારિત સમયગાળામાં ઉકેલ લાવવાની વ્યવસ્થા કરવાની રહેશે.
RBIએ આ ડ્રાફ્ટ માર્ગદર્શિકા અંગે બેન્કો, અન્ય હિતધારકો અને જનતા પાસેથી 2 ઓક્ટોબર સુધીમાં ટિપ્પણીઓ મંગાવી છે. માર્ગદર્શિકાને 1 એપ્રિલ, 2026થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.