ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ગણેશ વિસર્જન બાદ પરત ફરી રહેલા યુવકોની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. ફૂલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદીશપુર નજીક પૂરઝડપે જઈ રહેલી કાર અચાનક કાબૂ બહાર જઈ ઝાડ સાથે અથડાઈ હતી. અથડામણ બાદ કાર પલટી ગઈ હતી.
અકસ્મતમાં કારમાં સવાર 9 યુવકોમાંથી 3નાં મોત થયા હતા, જ્યારે 6 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં કારની વધુ ઝડપને કારણે ચાલકે કાબૂ ગુમાવ્યો હોવાનું જણાવાયું છે. કારમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો સવાર હતા કે કેમ તે સહિત અકસ્માતના ચોક્કસ કારણોની પોલીસે તપાસ શરૂ કરી છે.