ઉપાશ્રયના નામે ખોટી ઓળખ આપી વૃદ્ધ પાસેથી રૂ.21.79 લાખ પડાવ્યા, મહુડીના શખસ સામે ફરિયાદ

અમદાવાદ: સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધ સાથે ધાર્મિક દાનના નામે રૂ.21.79 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ગાંધીનગરના મહુડી ખાતે રહેતા તેજશ સુભાષ શાહે પાલડીના ‘નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રય’ના નામે ખોટી ઓળખ આપી વૃદ્ધનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બેન્ક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે તબક્કાવાર કુલ રૂ.21.79 લાખ મેળવી લીધા હતા.
ઉપાશ્રયના નામે ફોન કરી દાન માંગ્યું
પોલીસ ફરિયાદ મુજબ, 23 જુલાઈના રોજ મયુર શાહને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ તેજશ શાહ તરીકે આપી પોતે પાલડીના નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રયમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. ધાર્મિક કાર્યો માટે દાન આપવાનું છે કે નહીં તેવું પૂછતાં મયુર શાહે ઉપાશ્રય પ્રત્યેની આસ્થાને કારણે તેની વાત પર વિશ્વાસ કર્યો હતો.
શરૂઆતમાં રૂ.49 હજાર બેન્ક ખાતામાં જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ તારીખે વધુ રકમ જમા કરાવવામાં આવી હતી. 24 જુલાઈએ રૂ.1 લાખ, 5 ઓગસ્ટે રૂ.1 લાખ અને 7 ઓગસ્ટે રૂ.2 લાખ કલ્પનાબહેન શાહના નામના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા.
આંગડિયા મારફતે લાખો રૂપિયા મોકલાવ્યા
આ પછી 10થી 14 ઓગસ્ટ દરમિયાન આરોપીએ આંગડિયા મારફતે મોટી રકમ મોકલવા જણાવ્યું હતું. ફરિયાદ મુજબ, 10 ઓગસ્ટે રૂ.4 લાખ, 11 ઓગસ્ટે રૂ.4.30 લાખ, 12 ઓગસ્ટે રૂ.4 લાખ અને 14 ઓગસ્ટે રૂ.5 લાખ મોકલવામાં આવ્યા હતા.
આ રકમ પ્રાંતિજ અને દ્વારકા ખાતે તેજશ શાહના નામે અને આપવામાં આવેલા મોબાઇલ નંબરની વિગતોના આધારે મોકલવામાં આવી હતી. આંગડિયા વ્યવહારોમાં મોકલનાર તરીકે વિજય, રોહિત અને વિશાલ સહિતના નામો દર્શાવવામાં આવ્યા હતા. મયુર શાહે તેમના પુત્ર ફાલ્ગુન મારફતે આ રકમ મોકલી હતી. આમ, બેન્ક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે કુલ રૂ.21,79,000ની રકમ મેળવી લેવામાં આવી હતી.
તપાસ કરતાં ઉપાશ્રયે દાન માંગ્યું ન હોવાનું સામે આવ્યું
રકમ મેળવી લીધા બાદ આરોપીના બંને મોબાઇલ નંબર બંધ આવવા લાગ્યા હતા. શંકા જતા મયુર શાહ અને તેમના પુત્ર પાલડી સ્થિત નરરત્ન મહારાજ સાહેબ ઉપાશ્રય ખાતે પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતાં ઉપાશ્રય તરફથી આવી કોઈ દાનની માંગણી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.
આથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મયુર શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહુડી સ્ટાફ ક્વાર્ટર, મહુડી ગામ, ગાંધીનગર ખાતે રહેતા તેજશ સુભાષ શાહ સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.