હું શંકરસિંહ વાઘેલાને ₹5 લાખ આપીશ…’: પૂર્વ CMના નિવેદન સામે સવર્ણ સમાજના અગ્રણીઓનો વિરોધ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના એક નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. ગાંધી જયંતિના દિવસે ખોપી ગામે યોજાયેલી જાહેરસભામાં વાઘેલાએ મેલું ઉપાડવાની નોકરી અને તેના વેતન અંગે ટિપ્પણી કરી હતી. તેમના આ નિવેદન બાદ બ્રહ્મસમાજ, પાટીદાર સમાજના આગેવાનો સહિત કેટલાક રાજકીય નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે.
બ્રહ્મસમાજે માફીની માંગ કરી
રાજકોટના બ્રહ્મસમાજના અગ્રણી હિરેન જોષીએ વાઘેલાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી જેવા જાહેર જીવનમાં રહેલા વ્યક્તિ દ્વારા આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે આ પ્રકારના નિવેદનથી વિવિધ સમાજો વચ્ચે મતભેદ ઊભા થઈ શકે છે.
હિરેન જોષીએ શંકરસિંહ વાઘેલાને ત્રણ દિવસમાં જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. માફી ન માંગવામાં આવે તો ‘વસંત વગડો’ ખાતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
‘મારા ઘરનું મેલું ઉપાડો, ₹5 લાખ આપીશ’: યજ્ઞેશ દવે
બ્રહ્મસમાજના અગ્રણી અને ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પણ વાઘેલાના નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમણે વળતો જવાબ આપતાં કહ્યું કે વાઘેલાએ આવા કામની શરૂઆત પોતાની જાતથી કરવી જોઈએ અને જો તેઓ તેમના ઘરનું મેલું ઉપાડે તો તેઓ દર મહિને ₹5 લાખ આપવા તૈયાર છે.
પાટીદાર અગ્રણીઓએ પણ વ્યક્ત કર્યો વિરોધ
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ વાઘેલાના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે ચોક્કસ સમાજને ખુશ કરવા માટે આવી ટિપ્પણી કરવામાં આવી હોવાનો તેમને આક્ષેપ છે. તેમણે કહ્યું કે જો વાઘેલા પોતે મેલું ઉપાડે તો તેઓ માંગે તેટલા રૂપિયા આપવા તૈયાર છે.
ભાજપના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પણ નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતા પાસેથી આવી ભાષાની અપેક્ષા રાખી શકાય નહીં અને તેમણે સમાજની માફી માંગવી જોઈએ.
શું કહ્યું હતું શંકરસિંહ વાઘેલાએ?
સાગબારા તાલુકાના ખોપી ગામે યોજાયેલી જાહેરસભામાં શંકરસિંહ વાઘેલાએ આદિવાસી વિસ્તારોમાં પાણી, વીજળી અને અન્ય મૂળભૂત સુવિધાઓના મુદ્દા ઉઠાવ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે વાણિયા, બ્રાહ્મણ કે પટેલ સહિત કોઈપણ વ્યક્તિ મેલું ઉપાડવાની નોકરી કરે તો તેઓ તેના માટે દર મહિને ₹50 હજાર આપવા તૈયાર છે.
વાઘેલાએ પોતાના સંબોધનમાં આદિવાસીઓની સ્થિતિ, તેમના હકો અને અનામતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે SC, ST અને OBCની વસ્તીનો ઉલ્લેખ કરીને આદિવાસી અને અન્ય પછાત વર્ગોના પ્રશ્નો પર ભાર મૂક્યો હતો.
નિવેદન પાછળનો મુદ્દો શું હતો?
વાઘેલાના નિવેદનને લઈને એક તરફ વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા વિરોધ અને માફીની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ તેમના નિવેદનનો સંદર્ભ આદિવાસી વિસ્તારોની મૂળભૂત સુવિધાઓ અને ત્યાંના લોકોની સ્થિતિ તરફ ધ્યાન દોરવાનો હતો એવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે. આ મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.