ઇસ્કોન બ્રિજ પાસે પૂરપાટ ઝડપે કારનો અકસ્માત, 3 વાહનોને ટક્કર; ઈજાગ્રસ્ત ચાલક હોસ્પિટલમાંથી ફરાર

અમદાવાદના ઇસ્કોન બ્રિજ નજીક મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી કારે કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર ઉભેલી ત્રણ કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જનાર કારચાલકને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને જાણ થાય તે પહેલાં જ તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો.
મિત્રની કાર લઈને નીકળ્યો હતો, કારમાં 6 લોકો સવાર
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર યુવક તેના મિત્રની કાર લઈને નીકળ્યો હતો. કારમાં કુલ છ લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ તરફ આવતા સમયે પૂરપાટ ઝડપના કારણે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવ્યા બાદ કાર સર્વિસ રોડ પર ઉભેલી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ કાર આગળ રહેલી અન્ય કાર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ રિવર્સ થઈને એક વૈભવી કાર સાથે પણ ટકરાઈ હતી.
વૈભવી કારના ચાલકનો આબાદ બચાવ
અકસમાત સમયે વૈભવી કારમાં ચાલક હાજર હતો. જોકે સદનસીબે તેને કોઈ ઈજા થઈ નહોતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં એસજી-2 ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કારચાલકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને જાણ થાય તે પહેલાં જ તે હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે.