ગુજરાતમાં સરકારી કામકાજ ઠપ થવાના એંધાણ, કર્મચારીઓનું સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ

ગુજરાતમાં ખેડૂતો અને આંગણવાડી વર્કરો બાદ હવે સરકારી કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નોના મુદ્દે સરકાર સામે મોરચો ખોલ્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો રાજ્યભરના સરકારી કર્મચારીઓ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે.
જૂની પેન્શન યોજના સહિત અનેક માંગણીઓ
કર્મચારી મહામંડળના જણાવ્યા મુજબ, સરકારી કર્મચારીઓના અનેક પ્રશ્નો વર્ષોથી પડતર છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નક્કર ઉકેલ ન આવતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ફિક્સ પગાર પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવી, જૂની પેન્શન યોજના લાગુ કરવી, સમયસર પ્રમોશન આપવું અને સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરીને મહેકમ વધારવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 50 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા તેમજ પંચાયત, બોર્ડ-નિગમ અને નગરપાલિકાના કર્મચારીઓને સરકારી કર્મચારીઓ સમાન દરજ્જો અને લાભો આપવાની પણ માંગ કરવામાં આવી છે.
મહામંડળે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો 15 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેના કારણે સરકારી કામગીરી પર પણ અસર પડી શકે છે.
કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં બેરોજગાર યુવાનોનો વિરોધ
બીજી તરફ, કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં ઉત્તર ગુજરાતના એપ્રેન્ટિસ કરેલા બેરોજગાર યુવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. યુવાનોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને સમયસર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની માંગ કરી હતી.
યુવાનોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે, પરંતુ પાસ થયેલા ઉમેદવારોની પૂરતી અને સમયસર ભરતી કરવામાં આવતી નથી. તેમના જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલાં યોજાયેલી પરીક્ષામાં 4,800 જેટલા ઉમેદવારો પાસ થયા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર 183 ઉમેદવારો માટે જ એક રાઉન્ડની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
યુવાનોએ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા બંધ કરીને કાયમી ભરતી કરવાની માંગ કરી છે. સાથે જ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તેનો સ્પષ્ટ આંકડો જાહેર કરવા અને પરીક્ષા પાસ કરનારા 4,800 ઉમેદવારોમાંથી વધુમાં વધુ ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે.