અમદાવાદમાં નકલી ગરબા પાસ કૌભાંડનો પર્દાફાશ, રાજસ્થાનના બે યુવકો ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે નવરાત્રિ દરમિયાન ગરબા પાસના નામે ચાલતા કથિત છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી છે, જેઓ AI, Instagram જાહેરાતો અને WhatsAppનો ઉપયોગ કરીને નકલી ગરબા પાસ વેચતા હોવાનો આરોપ છે. તપાસમાં આશરે 686 નકલી પાસ વેચીને રૂ. 8 લાખની રકમ મેળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
AIની મદદથી બનાવ્યા અસલ જેવા નકલી પાસ
પોલીસ તપાસ મુજબ આરોપીઓએ ‘veer.rajjputt’ નામે Instagram પ્રોફાઇલ અને ‘anantexperience@gmail.com’ નામનું ઈમેલ આઈડી બનાવ્યું હતું. ત્યારબાદ અમદાવાદના જાણીતા ‘અનંત બ્રહ્માંડ’ ગરબા મહોત્સવના નામ અને લોગોનો કથિત રીતે ગેરકાયદે ઉપયોગ કર્યો હતો.
આરોપીઓએ AIની મદદથી બુકિંગ અને પ્રમોશનલ મેસેજ તૈયાર કર્યા હતા. ઉપરાંત, અસલ પાસ જેવા દેખાતા QR કોડ અને બારકોડવાળા નકલી પાસ પણ બનાવ્યા હતા. ત્યારબાદ Meta પ્લેટફોર્મ પર પેઇડ જાહેરાતો ચલાવીને ગરબા રસિકોને સસ્તા ભાવે પાસ આપવાની લાલચ આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, એક જાહેરાત આશરે 40 હજાર લોકો સુધી પહોંચી હતી.
ટેકનિકલ સર્વેલન્સથી સીકરમાંથી ધરપકડ
સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પુરાવાના આધારે તપાસ આગળ વધારી હતી. આ દરમિયાન રાજસ્થાનના સીકરથી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા આરોપીઓની ઓળખ 21 વર્ષીય વીરેન્દ્રસિંહ રાઠોડ, BBA સ્નાતક, અને 22 વર્ષીય કિશનસિંહ રાઠોડ, BSc સ્નાતક તરીકે થઈ છે. બંને હાલ બેરોજગાર હોવાનું જાણવા મળ્યું છે.
686 નકલી પાસ વેચી રૂ. 8 લાખની છેતરપિંડી
તપાસમાં સામે આવ્યું છે કે 19 ઓગસ્ટથી 14 ઓક્ટોબર દરમિયાન આરોપીઓએ આશરે 686 નકલી પાસ વેચીને રૂ. 8 લાખની રકમ મેળવી હતી. બેંક ખાતામાં પૈસા આવ્યા બાદ તેને અન્ય શંકાસ્પદ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
3 ઓક્ટોબરે સાંતેજ પોલીસ મથકમાં કેસ નોંધાયા બાદ પણ આરોપીઓએ જોધપુર, બિકાનેર અને સીકર સહિતના અલગ-અલગ શહેરોમાં લોકેશન બદલીને નકલી પાસનું વેચાણ ચાલુ રાખ્યું હતું.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ સાયબર સેલે નાગરિકોને અપીલ કરી છે કે ગરબા પાસ માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત માધ્યમથી જ ખરીદે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સસ્તા ભાવે મળતા પાસથી સાવચેત રહે.
જો કોઈ વ્યક્તિ સાથે આવી સાયબર છેતરપિંડી થઈ હોય તો તાત્કાલિક 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર સંપર્ક કરવા અથવા સત્તાવાર સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.