રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી: 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, ભક્તિના રંગે રંગાયું ગામ

0
રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી: 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, ભક્તિના રંગે રંગાયું ગામ
Views: 9
0 0

Read Time:5 Minute, 51 Second

ગાંધીનગર નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલમાં આસો નવરાત્રિની નોમની રાત્રે જગતજનની મા વરદાયિનીની વિશ્વવિખ્યાત પલ્લી ભક્તિભાવ અને પરંપરા સાથે સંપન્ન થઈ હતી. મધરાત બાદ મંદિર પરિસરમાં પૂજા-અર્ચના કર્યા બાદ પાંચ જ્યોતવાળી પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પલ્લી ગામના 27 ચકલામાં ફરી હતી અને દેશ-વિદેશમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા હતા.

મનોકામના પૂર્ણ થવાની આસ્થા સાથે ભક્તોએ પલ્લી પર શુદ્ધ દેશી ઘીનો અભિષેક કર્યો હતો. અંદાજ મુજબ લાખો લિટર ઘીનો અભિષેક થયો હતો, જેની કિંમત રૂ.20 કરોડથી વધુ હોવાનું કહેવાય છે. ઘીના ભારે પ્રવાહથી રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર પંથક ‘જય મા વરદાયિની’ના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

પાંચ જ્યોતવાળી પલ્લીનું ભવ્ય પ્રસ્થાન

પરંપરા મુજબ ખીજડાના લાકડામાંથી લોખંડની ખીલી વિના તૈયાર કરવામાં આવેલી પલ્લી પર પાંચ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. પલ્લી 27 ચકલામાંથી પસાર થતી હતી ત્યારે શ્રદ્ધાળુઓ પીપડા, ડબ્બા અને તગારામાં ઘી ભરીને લાવ્યા હતા અને પલ્લી પર અર્પણ કર્યું હતું. ઘી એકત્ર કરવા માટે ટ્રેક્ટરની ટ્રોલીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પલ્લીના પ્રસ્થાન પહેલાં મંદિર પરિસરમાં ભવ્ય ગુલાલ ઉત્સવ અને ગરબાનું આયોજન થયું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ગુલાલ ઉડાવીને માતાજીના વધામણાં કર્યા હતા અને ગરબા રમીને આરાધના કરી હતી. ‘જય વરદાયિની, જય જગદંબા’ના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

પાંડવો સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા

રૂપાલની પલ્લી સાથે હજારો વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પોતાના દિવ્ય શસ્ત્રો ગામના પવિત્ર વરખડીના વૃક્ષ નીચે છુપાવ્યા હતા. અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ તેમણે મા વરદાયિનીની સ્થાપના કરી હતી.

માન્યતા અનુસાર, મહાભારતના યુદ્ધમાં વિજય બાદ પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની હાજરીમાં સોનાની પલ્લી બનાવી હતી અને તેના પર ઘીનો અભિષેક કર્યો હતો. ત્યારથી પલ્લીની આ પરંપરા સતત ચાલી રહી હોવાનું કહેવાય છે. પ્રભુ શ્રીરામે પણ રાવણ સામેના યુદ્ધ પહેલાં અહીં માતાજીના આશીર્વાદ લીધા હોવાની ધાર્મિક માન્યતા છે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, 500 પોલીસ અને 300 હોમગાર્ડ તહેનાત

લાખો શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને 24 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

પલ્લી અને મેળા દરમિયાન 500 પોલીસ જવાનો તથા 300 હોમગાર્ડ તહેનાત રહ્યા હતા. CCTV કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી હતી. ગામ તરફ આવતા મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પણ નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું.

આરોગ્ય, ફાયર સેફ્ટી અને પાણીની પણ ખાસ વ્યવસ્થા

શ્રદ્ધાળુઓની સુવિધા માટે આરોગ્ય વિભાગની ચાર મેડિકલ ટીમોને 24 કલાક તહેનાત રાખવામાં આવી હતી. તાત્કાલિક સારવાર માટે ત્રણ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. પીવાના પાણીની લાઈનોમાં ક્લોરીનેશનની તપાસ સાથે સુપર ક્લોરીનેશન કરાયેલું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું.

ખાદ્ય ચીજોની તપાસ માટે નવ ફૂડ સેફ્ટી ઓફિસરો, ફાયર સેફ્ટી માટે ચાર ટીમો અને વીજ પુરવઠો જાળવવા UGVCLની 17 ટીમો તહેનાત રહી હતી.

શ્રદ્ધાળુઓ માટે આખી રાત વધારાની ST બસો

રૂપાલ પહોંચતા ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ગાંધીનગર, કલોલ, માણસા અને અમદાવાદ ST ડેપો દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. બપોર બાદ શરૂ થયેલી વિશેષ બસ સેવા રાતભર અને બીજા દિવસે સવાર સુધી ચાલુ રાખવામાં આવી હતી.

નોમની રાત્રે પલ્લીના દર્શન કે ઘીનો અભિષેક ન કરી શકેલા ભક્તો માટે પણ દશેરાની સવારથી શરદપૂર્ણિમાની મધ્યરાત્રિ સુધી વિશેષ દર્શન વ્યવસ્થા રાખવામાં આવી છે. આ દરમિયાન ભક્તો મંદિર પરિસરમાં પલ્લીના દર્શન કરી ઘી અર્પણ કરી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *