ગાંધીનગર મનપામાં AIથી બનાવટી ફોટા-સર્ટિફિકેટનો કથિત ખેલ, કામ કર્યા વિના બિલ મંજૂર કરાવવાનો પ્રયાસ

0
ગાંધીનગર મનપામાં AIથી બનાવટી ફોટા-સર્ટિફિકેટનો કથિત ખેલ, કામ કર્યા વિના બિલ મંજૂર કરાવવાનો પ્રયાસ
Views: 8
0 0

Read Time:3 Minute, 51 Second

ગાંધીનગર મહાનગરપાલિકાની ઇજનેરી શાખામાં કામ કર્યા વિના તેને પૂર્ણ બતાવી બિલ મંજૂર કરાવવાના કથિત કૌભાંડનો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર 11માં શેડ, પેવર બ્લોક, ચેઇન લિંક ફેન્સિંગ અને આંતરિક રસ્તાઓના કામ માટે રજૂ કરાયેલા ફોટોગ્રાફ્સ અને સર્ટિફિકેટની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે.

સમીર કન્સ્ટ્રક્શનને મળ્યું હતું કામ

વોર્ડ નંબર 11માં વિવિધ વિકાસકામો માટે સમીર કન્સ્ટ્રક્શન એજન્સીને મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. એજન્સીએ આશરે રૂ. 70થી 80 લાખના કામો પેટા કોન્ટ્રાક્ટર મારફતે કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન હર્ષવર્ધન નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે, જે અગાઉ મનપાની ઇજનેરી શાખામાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે કામ કરી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.

આક્ષેપ છે કે સંબંધિત ઇજનેરો સાથેની કથિત સાંઠગાંઠના આધારે સ્થળ પર વાસ્તવિક કામ કર્યા વિના તેને પૂર્ણ થયેલું દર્શાવી બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા હતા.

AIની મદદથી બનાવટી ફોટા તૈયાર કર્યાનો આક્ષેપ

નિયમ મુજબ કામ પૂર્ણ થયા બાદ બિલ સાથે કામના ફોટોગ્રાફ્સ તેમજ થર્ડ પાર્ટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી (PMC)નું સર્ટિફિકેટ રજૂ કરવાનું હોય છે. જોકે તપાસ દરમિયાન વોર્ડ નંબર 11માં કેટલાક કામો વાસ્તવમાં થયા ન હોવા છતાં કામ પૂર્ણ થયાનું દર્શાવતા ફોટોગ્રાફ્સ રજૂ કરાયા હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં આ ફોટોગ્રાફ્સ AI ટેક્નોલોજીની મદદથી તૈયાર કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. વધુમાં, PMC સર્ટિફિકેટ અંગે સંબંધિત એજન્સીનો સંપર્ક કરવામાં આવતા તેણે આવું કોઈ સર્ટિફિકેટ જારી ન કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ સર્ટિફિકેટ પણ બનાવટી રીતે તૈયાર કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઇજનેરોની સામૂહિક બદલી, તપાસ ચાલુ

સમગ્ર મામલામાં ઇજનેરી શાખાના ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર નંદીશ માંડલિયા સહિત અન્ય જવાબદાર ઇજનેરોની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા છે. પ્રાથમિક કાર્યવાહી તરીકે મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે.

હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જો અન્ય અધિકારીઓ કે કર્મચારીઓની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ ખાતાકીય અથવા અન્ય કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ ઘટનાએ સરકારી વિકાસકામોની સ્થળ પર ચકાસણી અને બિલ મંજૂરીની પ્રક્રિયા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *