ચાંદખેડામાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર SMCનો દરોડો, 38 હુક્કા સહિત મુદ્દામાલ જપ્ત

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઝુંડાલ ગરનાળા પાસે પાર્ટી પ્લોટ નજીક આવેલા ચેરીસ કાફેમાં હુક્કાબાર ચાલતો હોવાની બાતમીના આધારે SMCની ટીમે રેડ કરી હતી.
દરોડા દરમિયાન કાફેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો હુક્કા પીતા મળી આવ્યા હતા. તપાસમાં નિકોટીનયુક્ત હુક્કાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. SMCની ટીમે સ્થળ પરથી 38 હુક્કા, 43 પાઇપ, 90 ચીલમ અને વિવિધ ફ્લેવર્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં હુક્કાબારનું સંચાલન સરખેજના અબ્દુલ હમીદ શેખ દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સંચાલકે આસામના ચાર યુવકોને કાફેમાં કામે રાખ્યા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, શરૂઆતમાં અહીં માત્ર કાફે ચલાવવામાં આવતું હતું. બાદમાં કેટલાક લોકોની કથિત મૌખિક મંજૂરી બાદ કાફેની આડમાં હુક્કાબાર શરૂ કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે, આ અંગેની વિગતો અંગે તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ચાંદખેડા વિસ્તારમાં દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે અગાઉથી ફરિયાદો થઈ હોવાના અહેવાલો વચ્ચે SMCની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા છે. હવે આ સમગ્ર મામલે તપાસ આગળ વધે તેમ સંબંધિત સંચાલકો ઉપરાંત જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે પણ સ્પષ્ટતા થઈ શકે છે.