શિખરજીથી ગુજરાત પરત ફરતી યાત્રીઓની બસનો ભયાનક અકસ્માત, સુરતના બે લોકોનાં મોત, 12થી વધુ ઘાયલ

ઝારખંડના ગિરિડીહમાં શિખરજીની યાત્રા પૂર્ણ કરીને ગુજરાત પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસને ગંભીર અકસ્માત નડ્યો છે. રાત્રે આશરે 10 વાગ્યે બસ અચાનક અસંતુલિત થઈને રસ્તા પરથી નીચે ખાડામાં ખાબકી હતી અને ત્યારબાદ ઝાડ સાથે જોરદાર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં સુરતના બે લોકોનાં મોત થયા છે, જ્યારે 12થી વધુ યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતથી શ્રદ્ધાળુઓ શિખરજીની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન ગિરિડીહ વિસ્તારમાં બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ હતી. ઝાડ સાથે બસ અથડાતાં તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
રાત્રે 10 વાગ્યે બની દુર્ઘટના
ગિરિડીહના SDPO આબિદ ખાને જણાવ્યું હતું કે રાત્રે આશરે 10 વાગ્યે અકસ્માતની જાણ થઈ હતી. બસમાં સવાર તમામ યાત્રીઓ ગુજરાતના હતા અને તેઓ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા. અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા છે. બસનો ડ્રાઇવર સુરક્ષિત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઘાયલોને હઝારીબાગની હોસ્પિટલમાં ખસેડાયા
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હઝારીબાગની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે અને પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.
આ દુર્ઘટનાને પગલે ગુજરાતમાં રહેતા યાત્રીઓના પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.