અમદાવાદના નિકોલમાં ફૂટપાથ પર સૂતેલા 3 લોકો પર ફોર્ચ્યુનર ફરી વળી, મહિલાનું મોત; 2 ઘાયલ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. દેવસ્યા સ્કૂલ નજીક ફૂટપાથ પર સૂતેલા ત્રણ લોકો પર ટોયોટા ફોર્ચ્યુનર કાર ફરી વળતાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, દેવસ્યા સ્કૂલ નજીક ફૂટપાથ પર ત્રણ લોકો સૂઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારે ત્રણેયને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અકસ્મતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. PI સુમરાના જણાવ્યા મુજબ, ફોર્ચ્યુનર કાર ફૂટપાથ પર સૂતેલા લોકોને અડફેટે લીધી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.