ગુજરાત ભાજપમાં ‘મૂળ’ વિરુદ્ધ ‘આયાતી’ નેતાઓનો વિવાદ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને સ્થાન મળ્યા બાદ રાજ્યના રાજકારણમાં આંતરિક ખેંચતાણની ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પર નવી ટીમના નેતાઓને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રોહન ગુપ્તાના નામનો ઉલ્લેખ ન કરતાં રાજકીય ચર્ચા ગરમાઈ છે.
નીતિન પટેલે વર્ષોથી RSS અને ભાજપ સંગઠન સાથે જોડાયેલા જગદીશ પટેલ, વર્ષાબેન દોશી અને હેમાંગ જોશીને નામજોગ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, રાષ્ટ્રીય મંત્રી તરીકે પસંદ થયેલા રોહન ગુપ્તાને શુભેચ્છા પાઠવવામાં આવી નહોતી.
આ ઘટનાને ભાજપના ‘મૂળ’ અને તાજેતરમાં પક્ષમાં આવેલા ‘આયાતી’ નેતાઓ વચ્ચેના મતભેદ તરીકે જોવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા કાર્યકરોની સરખામણીએ પક્ષપલટા કરીને આવેલા નેતાઓને મહત્વના હોદ્દા મળવા અંગે સંગઠનમાં અસંતોષ છે.
નીતિન પટેલની પોસ્ટને પણ ભાજપ હાઇકમાન્ડની નીતિ સામેના આડકતરા સંકેત તરીકે જોવામાં આવી રહી છે. જોકે, આ અંગે નીતિન પટેલ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી.