ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની શક્યતા

ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 7 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટ 30 ટકા સુધી પહોંચી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં 34.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં એકથી બે હળવા વરસાદી સ્પેલ આવી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે સૂકું વાતાવરણ રહેવાની આગાહી છે. રાજ્યમાં હાલ કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ ન હોવાથી સાર્વત્રિક અને સારા વરસાદ માટે હજુ થોડા દિવસ રાહ જોવી પડશે.
ચાલુ સિઝનમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં 30 ટકા ઓછો વરસાદ થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ઘટને કારણે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.