નાની રકમની સાયબર ઠગાઈની ફરિયાદો નોંધવામાં પોલીસ સક્રિય, 13 કેસ દાખલ

અમદાવાદ શહેરમાં નાની રકમની સાયબર ઠગાઈની ફરિયાદો નોંધવામાં પોલીસ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રવિવારથી સોમવાર દરમિયાન શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં સાયબર ઠગાઈ સંબંધિત કુલ 13 ફરિયાદો નોંધાઈ છે.
અત્યાર સુધી નાની રકમની સાયબર છેતરપિંડીમાં માત્ર અરજી લઈને તપાસ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવતી હતી, જ્યારે મોટી રકમના કેસમાં જ તાત્કાલિક ફરિયાદ નોંધાતી હોવાના આક્ષેપો થતા હતા. જોકે, તાજેતરમાં નોંધાયેલા 13 કેસને પગલે પોલીસના અભિગમમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
આ કેસોમાં સોશિયલ મીડિયા પર બીભત્સ મેસેજ મોકલવા, મહિલાના નામે બનાવટી Instagram એકાઉન્ટ બનાવી સંબંધીઓને અભદ્ર મેસેજ મોકલવા તેમજ લોનના નામે નાણાં પડાવી લેવાના બનાવોનો સમાવેશ થાય છે.
કિસ્સો-1: યુવતીને બનાવટી Instagram એકાઉન્ટથી બીભત્સ મેસેજ
કાંકરિયા વેદ મંદિર રોડ નજીક રહેતી 26 વર્ષીય યુવતીને અજાણ્યા શખ્સે બનાવટી Instagram એકાઉન્ટ પરથી બીભત્સ શબ્દો લખીને મેસેજ મોકલ્યા હતા. યુવતીએ જવાબ આપવાનું બંધ કરી દીધું હોવા છતાં આરોપી સતત અભદ્ર મેસેજ મોકલી તેને પરેશાન કરતો હતો. અંતે યુવતીએ 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કિસ્સો-2: પરિણીતાના નામે બનાવટી Instagram એકાઉન્ટ
વસ્ત્રાલમાં રહેતી અને નર્સ તરીકે નોકરી કરતી 33 વર્ષીય પરિણીતાના નામે અજાણ્યા શખ્સે બનાવટી Instagram એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ પરથી તેના ભત્રીજાને મહિલાના ફોટા મોકલી બીભત્સ લખાણ કરવામાં આવ્યું હતું. ભત્રીજાએ આ અંગે મહિલાને જાણ કરતાં તેણે પતિને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ત્યારબાદ સાયબર હેલ્પલાઇનની મદદથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કિસ્સો-3: ટોપઅપ લોનના નામે રૂ.28,500ની ઠગાઈ
બહેરામપુરામાં રહેતો 25 વર્ષીય યુવક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને અગાઉ KISSHT લોન એપ્લિકેશન મારફતે લોન લઈ ચૂક્યો હતો. છ મહિના અગાઉ લોન લીધા બાદ એક શખ્સે ફોન કરીને હાલની લોન પર રૂ.2 લાખની ટોપઅપ લોન મળવાની વાત કરી હતી. જોકે, નવી લોનની પ્રક્રિયા માટે અગાઉની લોનના રૂ.28,500 ભરવા પડશે તેમ કહી યુવકને ગઠિયાએ આપેલા સ્કેનર પર નાણાં મોકલવા જણાવ્યું હતું.
યુવકે પહેલા રૂ.1 અને ત્યારબાદ રૂ.28,500 ટ્રાન્સફર કર્યા હતા. ગઠિયાએ 10 મિનિટમાં લોનની રકમ ખાતામાં જમા થઈ જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. લાંબા સમય સુધી રકમ ન આવતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાયું હતું. ત્યારબાદ તેણે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.