રામ મંદિર ટ્રસ્ટના CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નિમણૂક, ત્રણ નવા ટ્રસ્ટીઓનો સમાવેશ

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે પસંદગી કરી છે. તેઓ ટૂંક સમયમાં રામ મંદિરના વહીવટ અને સંચાલન સંબંધિત મુખ્ય જવાબદારીઓ સંભાળશે.
આ સાથે ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં અયોધ્યાના મદન મોહન પાંડે, દિલ્હીના મહેશ ભાગચંદકા અને શિકોહાબાદની નિર્મલા યાદવનો સમાવેશ થાય છે. ટ્રસ્ટમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે આ નિમણૂકો કરવામાં આવી છે.
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા તથા વિમલેન્દ્ર મોહનના નિધન બાદ ટ્રસ્ટમાં ત્રણ પદ ખાલી પડ્યાં હતાં. નવા ટ્રસ્ટીઓએ ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઇન માધ્યમથી ભાગ લીધો હતો.
નવા CEOની પસંદગી માટે યોજાયેલી બેઠકમાં નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર અંતિમ મહોર લગાવવામાં આવી હતી. CEO પદ માટે દેશભરમાંથી કુલ 5,585 અરજીઓ મળી હતી. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલીના નેતૃત્વ હેઠળની સ્ક્રીનિંગ કમિટીએ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા બાદ અંતિમ ત્રણ ઉમેદવારોની યાદી તૈયાર કરી હતી.