રિક્ષાની હડતાળ વચ્ચે AMTS-BRTSમાં મુસાફરોનો ધસારો, 1.32 લાખ પેસેન્જર્સ વધ્યા

શહેરમાં શરૂ થયેલી રિક્ષા અને ટેક્સીચાલકોની હડતાળના કારણે ઉદભવેલી વાહનવ્યવહારની મુશ્કેલી વચ્ચે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રિક્ષાઓ બંધ રહેતાં મુસાફરોની સુવિધા માટે બસો સતત રસ્તા પર દોડતી રખાતાં એક જ દિવસમાં મુસાફરોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. 31 ઓગસ્ટના રોજ નોંધાયેલા 7.20 લાખ મુસાફરોની સરખામણીએ હડતાળના પ્રથમ દિવસે જ બસ સેવાનો લાભ લેનારા મુસાફરોનો આંકડો 8.50 લાખ પર પહોંચી ગયો હતો. આમ, એક જ દિવસમાં કુલ 1.32 લાખ વધુ મુસાફરો નોંધાતાં આવકમાં રૂ. 14 લાખથી વધુનો વધારો થયો છે.
હડતાળના પ્રથમ દિવસે 149639 મુસાફરોએ BRTSમાં મુસાફરી કરી હતી. આમ, સામાન્ય દિવસોની સરખામણીએ BRTSમાં 52083 મુસાફરોનો વધારો થયો હતો અને તેની આવકમાં રૂ. 7.11 લાખનો વધારો થઈને કુલ આવક રૂ. 20.59 લાખ પર પહોંચી હતી.
AMTSમાં પણ હડતાળના દિવસે 7 લાખ મુસાફરો નોંધાયા હતા. આમ, AMTSમાં 80 હજાર મુસાફરોનો સીધો વધારો જોવા મળ્યો હતો અને પ્રથમ શિફ્ટમાં જ રૂ. 22.88 લાખની આવક થઈ હતી. પ્રથમ શિફ્ટમાં જ આવકમાં રૂ. 7.14 લાખનો નોધપાત્ર વધારો થયો છે. રિક્ષાઓ ન મળવાના કારણે રાત્રિના સમયે બહારગામથી આવતા મુસાફરો અટવાય નહીં તે માટે AMTS દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે સ્ટેશન અને મુખ્ય બસ સ્ટેશનો ખાતે ટ્રેન તથા બસોના આગમન સમયે AMTSની બસો સીધી અંદર સુધી જઈને મુસાફરોને બેસાડશે.
પોલીસે અડચણ કરતા 13 લોકોને ડીટેઈન કર્યા
અમદાવાદ શહેર કમિશનરેટ વિસ્તારમાં રિક્ષાચાલક યુનિયન દ્વારા કરવામાં આવેલ હડતાલના પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમવારના રોજ હડતાળ દરમિયાન શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવા બદલ તથા જાહેરમાં અડચણ ઊભી કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કુલ 13 જેટલા વ્યક્તિઓને ડીટેન કરવામાં આવી છે. મંગળવારે પણ જો કોઈ વ્યક્તિ, રાહદારીઓ કે મુસાફરી કરતા પેસેન્જરોને હેરાનગતિ કરશે અથવા કામકાજમાં અડચણરૂપ બનશે, તો તેમની સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.