અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, 5 અંડરપાસ બંધ; વાસણા બેરેજના 14 ગેટ ખોલાયા

અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2026: અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. કાળા ડિબાંગ વાદળો વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા માટે નીકળેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં પાણી ભરાવાની સ્થિતિને પગલે પાંચ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.
ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવાર સુધી યથાવત્ રહ્યો હતો. સવારે 6થી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 0.35 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે પરિમલ, શાહીબાગ, અખબારનગર, મીઠાખળી અને મકરબા અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. દરમિયાન વાસણા બેરેજના 14 ગેટ ખોલવામાં આવ્યા હતા.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ વરસાદ
અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ ઝોનમાં સરેરાશ 32.14 મિમી વરસાદ પડ્યો હતો. ઓગણજમાં સૌથી વધુ 1.79 ઇંચ, જ્યારે ગોટામાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો હતો. ચાંદલોડિયામાં 1.34 ઇંચ, સાયન્સ સિટીમાં 1.28 ઇંચ, બોપલમાં 1.14 ઇંચ અને થલતેજમાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો હતો.
પશ્ચિમ ઝોનમાં સરેરાશ 8.71 મિમી વરસાદ નોંધાયો હતો. નવરંગપુરા, રાણીપ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.
બોપલથી સરખેજ સુધી ભારે વરસાદ
બોપલ, શીલજ, પકવાન, માનસી સર્કલ, શેલા અને ઘુમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જમાલપુર, કાંકરિયા, મેમનગર, આસ્ટોડિયા, પાલડી, આશ્રમ રોડ, જોધપુર અને વસ્ત્રાપુરમાં પણ કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સરખેજ, મકરબા, નારોલ અને વટવા વિસ્તારમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી હતી.
24 કલાકમાં વિરાટનગરમાં સૌથી વધુ વરસાદ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 22.91 મિમી વરસાદ નોંધાયો છે. આ દરમિયાન પૂર્વ ઝોનના વિરાટનગરમાં સૌથી વધુ 2.44 ઇંચ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના બાકરોલમાં 2.09 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ સાથે અમદાવાદમાં ચાલુ સિઝનનો કુલ વરસાદ 32.24 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વરસાદના આશરે 89.56 ટકા જેટલો છે.
સવારના બે કલાકમાં સૌથી વધુ વરસાદ
- ઓગણજ: 1.79 ઇંચ
- ગોટા: 1.65 ઇંચ
- ચાંદલોડિયા: 1.34 ઇંચ
- સાયન્સ સિટી: 1.28 ઇંચ
- બોપલ: 1.14 ઇંચ
- થલતેજ: 1.10 ઇંચ
- સરખેજ અર્બન હેલ્થ: 0.98 ઇંચ
- બોડકદેવ: 0.91 ઇંચ
- સરખેજ: 0.81 ઇંચ
- મેમનગર: 0.79 ઇંચ
પાણી ભરાતા વાહનચાલકો અને નોકરિયાતો પરેશાન
ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. કેટલીક કંપનીઓની બસો પણ પાણી ભરાવાને કારણે બંધ પડી જતાં નોકરિયાતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ વચ્ચે ઓફિસ પહોંચતા પહેલા જ અનેક કર્મચારીઓ પલળી ગયા હતા.
બીજી તરફ, સ્કૂલે જતા વિદ્યાર્થીઓની પણ મુશ્કેલી વધી હતી. અનેક બાળકો શાળાએ પહોંચતા પહેલાં જ વરસાદમાં ભીંજાઈ ગયા હતા. બાળકોને મૂકવા નીકળેલા વાલીઓને પણ પાણી ભરાયેલા રસ્તાઓના કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજની સપાટી 136.25 ફૂટ જાળવી રાખવામાં આવી હોવાનું જણાવાયું છે.