અમદાવાદીઓ સાવધાન! ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYCના નામે ₹31.77 લાખની સાયબર ઠગાઈ

અમદાવાદ શહેરમાં સાયબર ઠગાઈના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. નારોલના તેલ વેપારી સાથે ઓઇલ સપ્લાયના બહાને ₹20 લાખ, પાલડીના ઇન્ટિરિયર ડિઝાઇનર પાસેથી અદાણી ગેસ બિલ અપડેટ કરવાના નામે ₹7.74 લાખ અને નિવૃત્ત બેંક કર્મચારી સાથે KYC વેરિફિકેશનના બહાને ₹4 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. ત્રણેય મામલે પોલીસ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ સેલે તપાસ શરૂ કરી છે.
નારોલના તેલ વેપારી સાથે ₹20 લાખની છેતરપિંડી
નારોલમાં તેલનો વેપાર કરતા ધર્મિક સુરેશભાઈ પટેલને ઓનલાઇન બિઝનેસ પોર્ટલ પરથી ‘આરા ફ્યુઅલ્સ’ નામની કંપની મળી હતી. વેપારીએ 30થી 35 ટન ડિસ્ટિલેટ ઓઇલની જરૂરિયાત અંગે સંપર્ક કરતાં શ્રીનિવાસ નામના વ્યક્તિએ 30,230 લિટર ઓઇલ ઉપલબ્ધ હોવાનું જણાવી કુલ ₹33.25 લાખની કિંમત કહી હતી.
આરોપીએ એડવાન્સ પેમેન્ટની માંગ કરતા વેપારીએ RTGS મારફતે બે ટ્રાન્ઝેક્શનમાં કુલ ₹20 લાખ ચૂકવ્યા હતા. જોકે, બાદમાં કંપનીના GST નંબર, ઈ-વે બિલ સહિતના દસ્તાવેજોમાં શંકાસ્પદ બાબતો સામે આવતા વેપારીને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અદાણી ગેસ બિલ અપડેટના નામે APK ફાઇલ મોકલી ₹7.74 લાખ પડાવ્યા
પાલડીમાં રહેતા 58 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઇનર રિકીનભાઈ મહેતા સાથે ઠગોએ અદાણી ગેસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી સંપર્ક કર્યો હતો. વોટ્સએપ પર ગેસ કંપનીનો લોગો રાખીને બિલ અપડેટ નહીં કરવામાં આવે તો કનેક્શન કાપી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બિલ અપડેટ કરવાના બહાને તેમને “Adani Gas Bill Update.apk” નામની ફાઇલ ડાઉનલોડ કરાવવામાં આવી. આ ફાઇલ ઇન્સ્ટોલ કર્યા બાદ ઠગોએ તેમના મોબાઇલ અને બેંકિંગ સંબંધિત માહિતીનો ઉપયોગ કરીને ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે ₹7.73 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.
ઠગાઈની જાણ થતાં પીડિતે સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ કરી હતી. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલે તપાસ શરૂ કરી છે.
KYC વેરિફિકેશનના નામે નિવૃત્ત કર્મચારીના ₹4 લાખ ઉપાડી લીધા
કર્ણાવતીનગરમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત બેંક કર્મચારી જગાભાઈ મકવાણાને એક વ્યક્તિએ બેંક ઓફ ઇન્ડિયાની હેડ ઓફિસમાંથી ફોન કરતો હોવાનો દાવો કર્યો હતો. તેમના ખાતામાં શંકાસ્પદ પ્રવૃત્તિ થઈ હોવાનું કહી KYC વેરિફિકેશનના નામે વોટ્સએપ પર એક ફાઇલ મોકલી તેને ઇન્સ્ટોલ કરવા જણાવાયું હતું.
ફાઇલ ઇન્સ્ટોલ કર્યા બાદ મકવાણા અને તેમની પત્નીના બેંક ખાતામાંથી કુલ ₹4.03 લાખની રકમ ઉપડી ગઈ હતી. છેતરપિંડીની જાણ થતાં તેમણે બેંક ખાતા બ્લોક કરાવ્યા અને સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અજાણી APK ફાઇલથી સાવધાન
સાયબર ઠગાઈના આ બનાવો ફરી એકવાર બતાવે છે કે અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી APK અથવા અન્ય ફાઇલ ડાઉનલોડ કરવી જોખમી બની શકે છે. બેંક, ગેસ કંપની અથવા અન્ય સંસ્થાના નામે ફોન આવે ત્યારે કોઈપણ વ્યક્તિ સાથે OTP, CVV, પાસવર્ડ કે બેંકિંગ માહિતી શેર ન કરવી અને શંકાસ્પદ વ્યવહાર થાય તો તાત્કાલિક 1930 પર ફરિયાદ કરવી જરૂરી છે.