અમદાવાદ: ભાયલા ટોલનાકા નજીકથી ₹39 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રાજસ્થાનના ટ્રકચાલકની અટકાયત

અમદાવાદ જિલ્લાના બાવળા નજીક ભાયલા ટોલનાકા પાસે કેરાળા GIDC પોલીસે મોટી કાર્યવાહી કરીને ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રકની તપાસ દરમિયાન પોલીસે ₹39.16 લાખથી વધુ કિંમતની દારૂની બોટલો જપ્ત કરી હતી. આ મામલે રાજસ્થાનના ટ્રકચાલકની અટકાયત કરવામાં આવી છે.
ટ્રકમાંથી 4,864થી વધુ દારૂની બોટલો મળી
પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક મારફતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ભાયલા ટોલનાકા નજીક નાકાબંધી ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતાં તેમાંથી કુલ 4,864થી વધુ સીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે ₹39,16,960 હોવાનું સામે આવ્યું છે.
₹61 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ટ્રકચાલક ગોકલારામ પદમારામ જાટ, રહેવાસી બાડમેર, રાજસ્થાનની અટકાયત કરી છે. પોલીસે દારૂ ઉપરાંત આશરે ₹20 લાખની કિંમતનો ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹61,02,660નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ કરી રહી છે. દારૂ મોકલનાર અને મંગાવનાર અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓ સામે કેરાળા GIDC પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.