અમદાવાદ: LG હોસ્પિટલની બાંધકામ સાઈટ પર દીવાલ ધરાશાયી, 27 વર્ષીય શ્રમિકનું મોત

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બાંધકામ દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. નવી બિલ્ડિંગ પાસે માટી પુરાણનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક બાજુની દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષીય શ્રમિક તેની નીચે દબાઈ ગયો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
માટી પુરાણ દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી
મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના યાદપુરનો રહેવાસી છુટન શુક્રુમાર મંડલ (ઉં.વ. 27) હાલ એલ.જી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રહીને મજૂરી કામ કરતો હતો. મંગળવારે સવારે તે જૂની હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કડિયા કામ કરી રહ્યો હતો. દરમિયાન સવારે આશરે 9 વાગ્યે નજીકમાં ચાલી રહેલા માટી પુરાણના કારણે બાજુની દીવાલ પર અચાનક દબાણ વધ્યું હતું અને દીવાલ શ્રમિક પર ધરાશાયી થઈ હતી.
ICUમાં સારવાર દરમિયાન મોત
દીવાલના કાટમાળ નીચે દબાઈ જતાં છુટનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. ઘટનાને પગલે સાથી શ્રમિક ક્રિષ્નાએ તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલના ICUમાં ખસેડ્યો હતો. તબીબોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી સવારે આશરે 11 વાગ્યે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મણિનગર પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતકની પત્ની જુમાબેન વાગ્ચીનું નિવેદન નોંધી મૃતદેહનું ઇન્ક્વેસ્ટ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા બાંધકામ દરમિયાન સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તેમજ માટી પુરાણ અને દીવાલ ધરાશાયી થવા પાછળ કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બેદરકારી સામે આવશે તો જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.