મેટ્રોના મુસાફરોને મોટો ઝટકો: 10 સ્ટેશનો પર હવે પાર્કિંગ માટે ચૂકવવો પડશે ચાર્જ

અમદાવાદમાં મેટ્રો મુસાફરો માટે હવે પાર્કિંગ મોંઘું બનવા જઈ રહ્યું છે. શહેરના 10 મેટ્રો સ્ટેશનો નજીક મફત પાર્કિંગની જગ્યાએ હવે ‘પે એન્ડ પાર્કિંગ’ વ્યવસ્થા શરૂ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશને યોજના બનાવી છે. આ સ્થળોએ વાહન પાર્ક કરવા માટે મુસાફરોએ રૂ. 100 સુધીનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.
3500થી વધુ વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા
નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ, એસ.પી. સ્ટેડિયમ અને રામોલ સહિત 10 મેટ્રો સ્ટેશનો નજીક પાર્કિંગ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે. અહીં કુલ 3,342 ટુ-વ્હીલર અને 200 ફોર-વ્હીલર પાર્ક કરી શકાય તેવી ક્ષમતા છે. અગાઉ આ સ્થળોએ મફત પાર્કિંગની સુવિધા આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હવે ત્યાંથી ચાર્જ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોન્ટ્રાક્ટરોને પ્લોટ સોંપાશે, મુસાફરો પર વધશે ખર્ચ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્લોટ્સ રૂ. 13 હજારથી રૂ. 50 હજાર સુધીના માસિક ભાડે કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવશે. કોન્ટ્રાક્ટરો ટુ-વ્હીલર માટે રૂ. 5થી રૂ. 50 અને ફોર-વ્હીલર માટે રૂ. 15થી રૂ. 120 સુધીનો પાર્કિંગ ચાર્જ વસૂલશે.
મેટ્રોમાં રોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો પોતાના વાહનો 8થી 10 કલાક સુધી પાર્ક રાખતા હોય છે. આવી સ્થિતિમાં તેમને દરરોજ અંદાજે રૂ. 25થી રૂ. 70 સુધીનો પાર્કિંગ ખર્ચ ભોગવવો પડી શકે છે. જેના કારણે કેટલાક મુસાફરો માટે પાર્કિંગનો ખર્ચ મેટ્રોના ભાડા કરતાં પણ વધુ થઈ શકે છે.