ગોતા વિસ્તારમાં ગ્રેનાઇટના વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ગ્રેનાઇટના વિશાળ ગોડાઉનમાં બુધવારે અચાનક ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી હતી. આગના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો.
5થી વધુ ફાયર ટેન્ડરોએ શરૂ કર્યું આગ બુઝાવવાનું કામ
ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળતાં જ વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 5થી વધુ ફાયર ફાઇટર વાહનો ગોતા પહોંચ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ ગોડાઉનને ચારેય તરફથી ઘેરી લઈને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ આસપાસના અન્ય એકમો અને દુકાનો સુધી ન ફેલાય તે માટે કૂલિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
આગનું કારણ જાણવા તપાસ શરૂ, જાનહાનિ ટળી
ગોડાઉનમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે, ગોડાઉનમાં હાજર સ્ટાફ અને મજૂરો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
આગના કારણે ગ્રેનાઇટ, માર્બલના સ્ટોક, લાકડાના પેકિંગ સહિત ગોડાઉનના માળખાને કેટલું નુકસાન થયું છે તેનો ચોક્કસ અંદાજ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ સામે આવશે.