સિવણ ક્લાસ શરૂ કરાવીશું, 2 હજાર રૂપિયા આપો’: બનાસકાંઠામાં 150થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડીનો આક્ષેપ

બનાસકાંઠાના હડાદમાં સ્વરોજગારીની તક આપવાના નામે 150થી વધુ મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરાઈ હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. હિંમતનગરની ‘ધરતી’ નામની NGOની સંચાલિકા નિશાબેન પરમારે મહિલાઓને સિવણની ત્રણ મહિનાની તાલીમ આપવાનું કહી પ્રત્યેક મહિલા પાસેથી રૂ. 2,000 લીધા હોવાની ફરિયાદ હડાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, NGO દ્વારા હડાદ અને આસપાસના વિસ્તારોમાં અનુસૂચિત જાતિ-જનજાતિ તેમજ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સ્વરોજગારી અપાવવાની વાત કરવામાં આવી હતી. મહિલાઓને સિવણ ક્લાસ શરૂ કરાવી ત્રણ મહિનાની તાલીમ આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ માટે દરેક મહિલા પાસેથી રૂ. 2,000 લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
રૂપિયા લીધા બાદ પહોંચ પણ ન આપી
મહિલાઓના જણાવ્યા મુજબ, 150થી વધુ મહિલાઓએ તાલીમના નામે સંસ્થામાં રૂપિયા જમા કરાવ્યા હતા. જોકે, રૂપિયા લીધા બાદ તેમને કોઈ પહોંચ આપવામાં આવી નહોતી. ત્યારબાદ સંચાલિકા નિશાબેન પરમારનો સંપર્ક ન થતાં મહિલાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ હતી.
મહિલાઓએ સંચાલિકાના મોબાઇલ નંબર પર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફોન બંધ આવતો હોવા અથવા ફોન લાગ્યા બાદ પણ જવાબ ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાઓએ હડાદ પોલીસમાં કરી ફરિયાદ
સમગ્ર મામલે ભોગ બનેલી મહિલાઓ એકત્ર થઈ હડાદ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને લેખિત ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓએ સંસ્થા દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી સમગ્ર મામલે તપાસ કરવાની તથા જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
સિવણની તાલીમ મેળવી સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે પગભર થવાની આશા રાખતી મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવવાના આક્ષેપને પગલે આ મામલો ચર્ચામાં આવ્યો છે.