વડાપ્રધાન મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી, રૂ. 400 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે, 31 ઓક્ટોબરે, એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા પ્રતિમા પર ભવ્ય પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ એકતાનગર ખાતે અંદાજે રૂ. 400 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકાર્યોમાં વિવિધ સુવિધાઓ અને માળખાકીય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે
વડાપ્રધાન મોદી સાંજે એકતાનગર ખાતે યોજાનારી ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા પરેડ’માં ઉપસ્થિત રહી પરેડની સલામી ઝીલશે. ત્યારબાદ તેમના એકતાનગરના તમામ સત્તાવાર કાર્યક્રમો પૂર્ણ થશે અને તેઓ વડોદરા એરપોર્ટ માટે રવાના થશે. ત્યાંથી રાત્રે દિલ્હી પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબરે બનાસકાંઠામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી સાંજે એકતાનગર પહોંચ્યા હતા. અહીં તેમણે ‘એકતા પ્રકાશ પર્વ’ની મુલાકાત લીધી હતી અને નર્મદા ઘાટ ખાતે યોજાયેલી મહાઆરતીમાં પણ ભાગ લીધો હતો.
‘એકતા પ્રકાશ પર્વ’ દરમિયાન વડાપ્રધાને રોશનીથી સજાવાયેલા વિવિધ કાર્યક્રમોની મુલાકાત લીધી હતી અને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતું. નર્મદા ઘાટ ખાતે મહાઆરતી દરમિયાન ‘નર્મદે હર… જીવનભર’ના નાદથી સમગ્ર એકતાનગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.