થલતેજ અંડરપાસ નજીક ચાલુ કારમાં આગ, ગાંધીનગર તરફ જતાં માર્ગ પર 2.5 કિમી લાંબો ટ્રાફિક જામ

અમદાવાદના એસજી હાઈવે પર થલતેજ અંડરપાસ નજીક ચાલુ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. વર્ષ 2012ના મોડેલની કારમાં આગ લાગતાં ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગને કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
ગાંધીનગર તરફ જતા વાહનચાલકોને ભારે હાલાકી
કારમાં આગ લાગવાની ઘટનાને પગલે એસજી હાઈવે પર ગાંધીનગર તરફ જતો વાહનવ્યવહાર ખોરવાયો હતો. પીક અવર્સ દરમિયાન અંદાજે 2.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પકવાન બ્રિજથી થલતેજ તરફ જતા માર્ગ અને સર્વિસ રોડ પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાની તસવીરો સામે આવી હતી.