રાહુલ ગાંધીનો મોટો દાવો: ભારત આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યું છે, ચૂંટણી ખર્ચમાં 50 ગણો વધારો થયાનો આક્ષેપ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન ભારતની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત ગંભીર આર્થિક સંકટના આરે ઊભું છે. આ સાથે તેમણે દેશમાં વધતી બેરોજગારી અને શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશમાં યુવાનોને યોગ્ય રોજગારી મળી રહી નથી. તેમના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન અનેક યુવાનોએ અભ્યાસ પૂર્ણ થયા બાદ નોકરી અને ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. યુવાનોની આ સ્થિતિ જોઈને તેમને દુઃખ થયું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ચૂંટણી ખર્ચમાં 50 ગણો વધારો થયાનો આક્ષેપ
રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં થતા ખર્ચ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે અગાઉની સરખામણીએ ચૂંટણીમાં 20થી 50 ગણો વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી રકમ ક્યાંથી આવે છે તે સમજાતું નથી, તેમ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત, કેટલીક મહત્વપૂર્ણ બેઠકો પર અચાનક મોટા મતોથી મળેલી જીત અંગે પણ તેમણે શંકા વ્યક્ત કરી હતી. ચૂંટણી પ્રક્રિયા અને પરિણામો અંગે વિપક્ષને અનેક સવાલો હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમેરિકાના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી શિકાગો યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાના છે. આ કાર્યક્રમમાં ભૂ-રાજકીય પરિસ્થિતિ, ઈરાન સંઘર્ષ અને ભારતની વિદેશ નીતિ સામેના પડકારો અંગે ચર્ચા થવાની છે.