કેનેડાના PRના નામે અમદાવાદના યુવક સાથે રૂ. 21.50 લાખની છેતરપિંડી, મુંબઈની ટોળકી સામે ફરિયાદ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં કેનેડાનું કાયમી નિવાસ (PR) અપાવવાની લાલચ આપીને એક યુવક સાથે રૂ. 21.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈની ટોળકીએ વિદેશમાં સ્થાયી થવાનું સપનું બતાવી યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે ભોગ બનનાર મિતેશ કથીરિયાએ ચાર આરોપીઓ સહિત સંબંધિત કંપનીઓ સામે CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે થઈ છેતરપિંડી?
નિકોલની ન્યૂ ઇન્ડિયા કોલોની રોડ વિસ્તારમાં રહેતા અને પાલડીની ખાનગી કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા 35 વર્ષીય મિતેશ કથીરિયાને વર્ષ 2022માં ઉચ્ચ અભ્યાસ અને સારા ભવિષ્ય માટે કેનેડા જવું હતું. તેમના મોટાભાઈના પરિચિત મારફતે મુંબઈના ડૉ. જિતેન્દ્ર જોશીનો સંપર્ક થયો હતો. તેમણે પોતે મુંબઈની ACL ઓવરસીઝ કંપનીના મુખ્ય એજન્ટ હોવાનું જણાવી અલ્પા નંદાણી ઠક્કર સાથે સંપર્ક કરાવ્યો હતો.
13 ફેબ્રુઆરી, 2022ના રોજ અલ્પા ઠક્કર અમદાવાદ આવી પ્રહલાદનગરમાં મિતેશને મળ્યાં હતાં. કેનેડાના PR માટે અંદાજે રૂ. 18 લાખનો ખર્ચ થશે તેમ કહી 28 માર્ચે રૂ. 1 લાખ રિટેનર ફી માગી હતી. ત્યારબાદ 4 એપ્રિલે ACL ઓવરસીઝના નામે કરાર કરવામાં આવ્યો હતો.
છ મહિનામાં રૂ. 21.50 લાખ પડાવ્યા
કરાર બાદ અલગ-અલગ બહાનાં હેઠળ અલ્પા ઠક્કરે ઓનલાઈન ટ્રાન્સફર મારફતે છ મહિનામાં કુલ રૂ. 21.50 લાખ મેળવી લીધા હતા. આ રકમના ટેક્સ ઇન્વોઇસ પણ વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા. 29 જૂન, 2022ના રોજ અરજી મંજૂર થઈ હોવાની PDF પણ મોકલી આપવામાં આવી હતી.
ત્યારબાદ નરોડા એસ.પી. રિંગ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટમાં અલ્પાએ દ્રષ્ટિ ચૌધરીનો પરિચય પોતાની બહેન તરીકે કરાવ્યો હતો અને આગળની પ્રક્રિયા દ્રષ્ટિ સંભાળશે તેમ જણાવ્યું હતું.
વિવિધ બહાનાં બતાવી સંપર્ક ટાળ્યો
લાંબો સમય પસાર થવા છતાં PRની પ્રક્રિયા પૂર્ણ ન થતાં મિતેશે સંપર્ક કર્યો હતો. ત્યારે દ્રષ્ટિએ અલ્પા હોસ્પિટલમાં દાખલ હોવા અથવા કેનેડિયન એમ્બેસીની મીટિંગમાં વ્યસ્ત હોવાનાં બહાનાં બતાવ્યાં હતાં. થોડા સમય બાદ અલ્પાનો ફોન પણ બંધ થઈ ગયો હતો.
મિતેશ મુંબઈ જઈને ડૉ. જિતેન્દ્ર જોશીને મળ્યા ત્યારે અલ્પાની ઓફિસ બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, જોશીએ પૈસા પરત અપાવવાની ખાતરી આપીને પોલીસ ફરિયાદ ન કરવા દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે.
અગાઉ પણ વિઝા કૌભાંડમાં નામ સામે આવ્યું હોવાનો આક્ષેપ
ડૉ. જોશી દ્વારા મોકલવામાં આવેલા ન્યૂઝપેપરના કટિંગ પરથી મિતેશને જાણવા મળ્યું હતું કે અલ્પા ઠક્કર અને દિવ્યેશ પટેલ સામે અગાઉ પણ વિઝા સંબંધિત છેતરપિંડીના કેસ નોંધાયા હોવાનો ઉલ્લેખ હતો.
આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મિતેશે અલ્પા ઠક્કર, દિવ્યેશ પટેલ, ડૉ. જિતેન્દ્ર જોશી અને દ્રષ્ટિ ચૌધરી સહિત ACL ઓવરસીઝ તથા એટલાન્ટિક સ્ટડી ઓવરસીઝના માલિકો અને સંચાલકો સામે CID ક્રાઈમની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.