નવી દિલ્હી: ગ્રામીણ ભારતમાં રોજગારીની ગેરંટી આપતી મનરેગા યોજનાના સ્થાને કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજના વીબી-જી રામ જી લાવવામાં આવી રહી છે. આ નવી યોજનાનું બિલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું હતું જેનો વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. યોજનાના નામમાંથી ગાંધીજીની બાદબાકી કરવા સહિતના મુદ્દે વિપક્ષે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે બિલ રજુ કરતા કૃષી મંત્રી શિવરાજસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગાંધીજીના સિદ્ધાંતોને સાથે રાખીને કામ કરી રહી છે.
લોકસભામાં કેન્દ્રીય કૃષી મંત્રી શિવરાજસિંહે વિકસિત ભારત ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ ૨૦૨૫ને રજુ કર્યું હતું. જે સાથે જ વિપક્ષે વિરોધ શરૂ કરી દીધો હતો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે મનરેગા એક ક્રાંતિકારી કાયદો છે જેને સરકાર બદલવા જઇ રહી છે અને નામમાંથી ગાંધીજીની બાદબાકી કરી રહી છે. ગાંધીજી મારા પરિવારના નથી પરંતુ મારા પરિવાર જેવા જ છે અને આખા દેશની આ જ લાગણી છે. ગ્રામ પંચાયતોના અધિકારોને નબળા પાડવામાં આવી રહ્યા છે. નવી યોજનામાં મજૂરોનું વેતન વધારવાની કોઇ જ વાત નથી. મનરેગાને નબળી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધી ક્યા કામ કરાવવા તે નિર્ણય પંચાયતો પાસે હતો, હવે આ અધિકાર કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લઇ લીધો છે.
જ્યારે કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કેન્દ્ર સરકાર પર ટોણો મારતા કહ્યું હતું કે નવી યોજનામાં અંગ્રેજી અને હિન્દી બન્ને ભાષાનો ઉપયોગ શોર્ટ ફોર્મ જી રામ જી બનાવવા કરાયો છે, આ બંધારણના આર્ટિકલ ૩૪૮નું ઉલ્લંઘન છે. યોજનાનું નામ સાંભળીને બાળપણનું ગીત રામ કા નામ બદનામ ના કરો યાદ આવી ગયું. બીજી તરફ કોંગ્રેસ મનરેગા રદ કરવા તેમજ ગાંધીજીની બાદબાકી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો દેશભરમાં તમામ જિલ્લા મથકોએ બુધવારે વિરોધ કરશે, તમામ રાજ્યોના કોંગ્રેસ પ્રમુખોને જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકારની મનરેગાની જગ્યા લેનારી નવી યોજના વીબી-જી રામ-જીનો વિરોધ કરવા કહ્યું છે. આ વિરોધ પ્રદર્શનોમાં ગાંધીજીના પોસ્ટરો પણ સાથે રાખવા કહ્યું છે. ૨૮મી ડિસેમ્બરે પક્ષના સ્થાપના દિવસે તમામ ગામડા અને તાલુકા, શહેરોમાં મહાત્મા ગાંધીજીના પોસ્ટરો તસવીરો સાથે કાર્યક્રમોનું આયોજન કરાશે. સંસદના સંકુલમાં પણ કોંગ્રેસના સાંસદોએ પોસ્ટરો સાથે કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જ્યારે બુધવારે તમામ જિલ્લા મથકો પર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.














Leave a Reply