મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી પહેલાં યોજાયેલી 288 નગર પરિષદ અને પંચાયતોની ચૂંટણીમાં ભાજપ 129 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. સત્તાધારી ‘મહાયુતિ’ ગઠબંધને કુલ 200થી વધુ બેઠકો (ભાજપ 129, શિંદે જૂથ 51, અજીત પવાર જૂથ 33) જીતીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. બીજી તરફ, વિપક્ષી મહાવિકાસ અઘાડી(MVA) માત્ર 50 બેઠકોમાં સમેટાઈ ગયું છે, જેમાં કોંગ્રેસને 35 અને ઉદ્ધવ-શરદ પવાર જૂથને ફાળે માત્ર 8-8 બેઠકો આવી છે. આ ચૂંટણી પરિણામે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, રાજ્યની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે. સાથી પક્ષો પર નિર્ભરતા ઘટાડવાનો સંકેતમહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ભાજપનું વર્ચસ્વ ઉત્તરોત્તર વધી રહ્યું છે. પાર્ટીએ આ સ્થાનિક જંગને પણ સામાન્ય ચૂંટણીની જેમ પૂરી ગંભીરતાથી લડીને જંગી સફળતા મેળવી છે. આ વિજય ભાજપના ‘શતપ્રતિશત ભાજપ’ના એ લાંબાગાળાના વિઝન તરફ સંકેત આપે છે, જેમાં પક્ષ ભવિષ્યમાં કોઈ પણ સાથી પક્ષના ટેકા વગર એકલે હાથે સત્તા મેળવવા માંગે છે.
ભાજપે આ વિજયનો શ્રેય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ અને રણનીતિને આપ્યો છે. સાથી પક્ષો સાથેના આંતરિક વિખવાદ અને પડકારો વચ્ચે પણ ગઠબંધનને એકજૂથ રાખી ફડણવીસે 38 રેલીઓ દ્વારા પક્ષને જીત અપાવી છે. ફડણવીસે આ પરિણામોને સુશાસન પર જનતાની મહોર ગણાવી ભાજપને રાજ્યની નંબર-વન પાર્ટી ગણાવી છે, જ્યારે પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે આ સફળતા માટે પીએમ મોદીના નેતૃત્વ અને ફડણવીસના માર્ગદર્શનને શ્રેય આપ્યો છે.
મહાયુતિની જીત છતાં ભાજપનું વધતું વર્ચસ્વ શિંદે અને અજીત પવાર જૂથ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આનાથી ભવિષ્યમાં તેમના માટે રાજકીય અવકાશ ઘટી શકે છે. બીજી તરફ, મહાવિકાસ અઘાડી(MVA) માટે આ પરિણામો ગંભીર ચેતવણી છે. ખાસ કરીને શિવસેના(UBT) અને શરદ પવાર જૂથના નબળા પ્રદર્શને તેમના કાર્યકર નેટવર્કને હચમચાવી દીધું છે. ત્રણ દાયકાથી જેમના કબજામાં BMC છે તેવા ઉદ્ધવ ઠાકરે જૂથ માટે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ આઘાતજનક સંકેત છે.
કોંગ્રેસે પોતાની હાર માટે મહાયુતિ સરકાર પર આક્ષેપો કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે કહ્યું કે આ ચૂંટણીઓમાં પૈસા, બળ અને સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે વિપક્ષને સીધું નુકસાન થયું છે.BMC ચૂંટણી પહેલા ભાજપનો વધતો આત્મવિશ્વાસસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ પરિણામો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે 15 જાન્યુઆરીએ યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ અને મહાયુતિ આત્મવિશ્વાસથી છલકાઈ રહ્યા છે, જ્યારે MVA એ ફરી બેઠા થવા માટે ગંભીર મંથન કરવાની જરૂર છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં હવે આ જંગ માત્ર સત્તાનો જ નહીં, પણ ભવિષ્યની દિશા નક્કી કરવાની લડાઈ બની રહ્યો છે. ભાજપનું સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવું એ રાજ્યમાં તેની વધતી તાકાતનું પ્રતીક છે, જે મહાયુતિને મજબૂત તો કરે છે પણ સાથી પક્ષોને સતર્ક પણ કરે છે.














Leave a Reply