બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા એક મુસ્લિમ મહિલાના ચહેરા પરથી હિજાબ ખેંચવાના વિવાદમાં હવે એક પાકિસ્તાની ડૉન પણ વચ્ચે કૂદી પડ્યો છે. પાકિસ્તાનના કુખ્યાત ડૉન શહેજાદ ભટ્ટીએ પોતાનો એક વીડિયો શેર કરીને ધમકી આપી કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર માફી માંગે નહીંતર એવું ન કહેતા કે ચેતવણી નહતી આપી. શું કહ્યું શહેજાદ ભટ્ટીએ? પાકિસ્તાની ડૉન શહેજાદ ભટ્ટીએ પોતાનો એક વીડિયો શેર કરતા કહ્યું કે, તમામ લોકોએ જોયું હશે કે, બિહારમાં શું થયું. એક મોટા પદ પર બેઠેલા વ્યક્તિ એક મુસ્લિમ મહિલા સાથે અયોગ્ય વ્યવહાર કરે છે. પછી મારા પર આરોપ લગાવવામાં આવશે કે, શહેજાદ ભટ્ટીએ આવું કરી દીધું. આ વ્યક્તિ પાસે હજું પણ સમય છે કે, તે મહિલાની માફી માંગે. જો આજે માફી ન માંગે તો જવાબદાર સંસ્થાઓને આ વિશે કાર્યવાહી કરવી જોઈએ. પછી એવું ન કહેતા કે ચેતવણી નહતી આપી.
અમુક મીડિયા અહેવાલો અનુસાર, શહેજાદ ભટ્ટી પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી છે. શહેજાદ ભટ્ટી વિશે જણાવવામાં આવે છે કે, તે ભારત સામે આતંકી ગતિવિધિઓ ફેલાવવામાં પણ સામેલ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તે ખુદને ઇસ્લામ અને પાકિસ્તાનનો સિપાહી કહે છે.
નોંધનીય છે કે, હિજાબ વિવાદ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે જોડાયેલો છે. સોમવારે મુખ્યમંત્રી સચિવાલયમાં ‘સંવાદ’ કાર્યક્રમ હેઠળ એક હજારથી વધુ આયુષ ચિકિત્સકોને નિયુક્તિ પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિયુક્તિ પત્ર આપતા નુસરત પરવીનનો વારો આવ્યો, જે ચહેરા પર હિજાબ પહેરીને આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ શું છે? અને પછી તેના ચહેરા પરથી હિજાબ ખેંચી લીધો.
આ દરમિયાન મુખ્યમંત્રીની બાજુમાં ઊભેલા નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીને રોકવાના પ્રયાસ કરતો જોવા મળ્યા હતા. જોકે, આ ઘટના બાદ ત્યાં હાજર અધિકારીએ તુરંત નવનિયુક્ત ચિકિત્સકને એકબાજુ કરી દીધી.














Leave a Reply