ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
માહિતી મુજબ, ગુરુવારે હળવા વરસાદ બાદ શુક્રવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક માવઠું પડ્યું. કલ્યાણપુરમાં અંદાજે દોઢ ઇંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખંભાળિયા વિસ્તારમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો, જ્યારે ભાટિયા અને ભાણવડમાં અડધો ઇંચ જેટલો વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.
નવ જિલ્લાઓમાં એલર્ટ
હવામાન વિભાગના અનુમાન મુજબ, બે સક્રિય સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં આ બદલાવ આવ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ સાથે તેજ પવન અને ગાજવીજની શક્યતા છે.
પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જ્યારે આગામી બે દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે.
ખેડૂતોમાં ચિંતા
આ કમોસમી વરસાદના કારણે રવિ પાક તેમજ કેરીના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. પાક તૈયાર થઈ ગયેલા ખેતરોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે.
















Leave a Reply