આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયામાં મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો છે. બપોરે 3 વાગ્યા સુધી મળેલા આંકડા મુજબ આસામમાં 75.91%, પુડુચેરીમાં 72.40% અને કેરળમાં 62.71% મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.
આસામમાં 126 બેઠકો માટે કુલ 722 ઉમેદવારો મેદાનમાં છે. શાંતિપૂર્ણ મતદાન માટે 31,940 મતદાન કેન્દ્રો પર 1.5 લાખથી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં માઇક્રો-ઓબ્ઝર્વર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ ફરી સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ ગૌરવ ગોગોઈને આગળ રાખીને ટક્કર આપી રહી છે.
કેરળમાં 140 બેઠકો માટે 883 ઉમેદવારો વચ્ચે જંગ છે. અહીં આશરે 2.71 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. પિનરાઈ વિજયનના નેતૃત્વમાં LDF ત્રીજીવાર સત્તામાં આવવા પ્રયત્નશીલ છે, જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં UDF ફરી સત્તા મેળવવા માટે જોર લગાવી રહી છે. ભાજપ પણ અહીં પોતાની હાજરી મજબૂત કરવા પ્રયત્ન કરી રહી છે.
પુડુચેરીમાં 30 બેઠકો માટે 294 ઉમેદવારો વચ્ચે મતદાન થઈ રહ્યું છે. મતદાન દરમિયાન મન્નાદીપેટના તિરુકાનૂર ગામમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાઈ હતી, જેને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. તેમ છતાં, મતદાન પ્રક્રિયા પર તેની કોઈ અસર પડી નથી.
આ ચૂંટણી સાથે કર્ણાટકની 2, નાગાલેન્ડની 1 અને ત્રિપુરાની 1 બેઠક પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. ગોવામાં એક બેઠક પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવતા આ પ્રક્રિયા અટકાવવામાં આવી છે, જેને લઈને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે નિરાશા વ્યક્ત કરી છે.
અન્ય ઘટનાઓમાં, આસામ કોંગ્રેસે ઉદલગુડી બેઠકના પોતાના ઉમેદવાર સુરેન ડેમરી સામે પક્ષવિરોધી નિવેદન બદલ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સોનિતપુર જિલ્લામાં એક મતદાન અધિકારીનું નિધન થતાં તેમની જગ્યાએ રિઝર્વ સ્ટાફ દ્વારા મતદાન ચાલુ રાખવામાં આવ્યું. ઉપરાંત, કાર્બી આંગલોંગમાં મતદાન કેન્દ્રની અંદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૂંટણી પંચે ગોપનીયતા ભંગના મામલે FIR નોંધાવી તપાસ શરૂ કરી છે.














Leave a Reply