ઘાયલ હોવા છતાં હનુમાન ચાલીસા કરતો રહ્યો, ભગવાને સૌને બચાવ્યા: કેપ્ટન સ્મિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાય દુબઈના ઈજાગ્રસ્ત ગુજરાતી પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન સ્મિતે કોકપીટમાં કો-પાયલટ દ્વારા થયેલા હુમલા અને ત્યારબાદ પ્રવાસીઓના જીવ બચાવવા લીધેલા નિર્ણય અંગે માહિતી આપી હતી.
કેપ્ટન સ્મિતે જણાવ્યું કે કો-પાયલટના હુમલા બાદ તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનો જીવ જોખમમાં હતો. જોકે, વિમાનમાં સવાર પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે હિંમત કરીને કોકપીટનો દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ પ્રવાસીઓ કોકપીટમાં પહોંચ્યા અને હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લીધો હતો.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાય દુબઈની ફ્લાઈટ FZ0173માં આ ઘટના બની હતી. સ્મિતે જણાવ્યું કે તેઓ કોકપીટમાં ઘાયલ હાલતમાં પડ્યા હતા અને તેમને સમજાઈ રહ્યું હતું કે વિમાન નીચે તરફ જઈ રહ્યું છે. અનેક વખત હુમલો થતાં ગંભીર ઈજાઓ છતાં તેમને લાગ્યું કે જો તેઓ ઊભા નહીં થાય તો વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
સ્મિતે વધુમાં કહ્યું કે તેઓ છેલ્લા 17 વર્ષથી વિમાન ઉડાવી રહ્યા છે અને 11 વર્ષથી કેપ્ટન તરીકે સેવા આપી રહ્યા છે. આ અનુભવના કારણે તેઓ ઘાયલ હોવા છતાં વિમાનની સ્થિતિ સમજી શક્યા હતા. તેમણે હિંમત કરીને ઊભા થઈ કોકપીટનો દરવાજો ખોલ્યો, જેના કારણે પ્રવાસીઓ અંદર આવી શક્યા અને કો-પાયલટને કાબૂમાં લઈ શકાયો.
વડાપ્રધાન મોદીએ કેપ્ટન સ્મિતની હિંમત અને ત્વરિત નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે સ્મિતે પોતાની પીડાની પરવા કર્યા વિના પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી અને ગણતરીની સેકન્ડોમાં નિર્ણય લઈને અનેક લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
સ્મિતે જણાવ્યું કે હુમલા બાદ તેઓ કોકપીટમાં લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા અને તે સમયે હનુમાન ચાલીસાનું પઠન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ભગવાનની કૃપાથી તેઓ અને અન્ય પ્રવાસીઓ બચી શક્યા. સ્મિતે વધુમાં જણાવ્યું કે તેઓ દરરોજ સવારે હનુમાન ચાલીસાનું પઠન કરે છે અને પોતાના બે વર્ષના બાળકને પણ તે શીખવે છે. દેશથી દૂર હોવા છતાં પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું તેમના માટે મહત્વપૂર્ણ છે.